સુરતમાં સામૂહિક આપઘાતની આશંકા, પતિ, પત્ની અને પુત્રનું મોત:ત્રણેયની બોડી અલગ અલગ રૂમમાંથી મળી.

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને કારણે સામૂહિક આપઘાતની આશંકા સેવાઈ રહી છે. આ બનાવમાં પતિ, પત્ની અને પુત્રની લાશ ઘરના અલગ-અલગ રૂમમાંથી મળી આવી હતી, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ પરિવાર માત્ર ચાર દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યો હતો. ત્યારે આ મામલે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું હશે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રણેયની લાશ અલગ અલગ રૂમમાંથી મળી આવી

મળતી વિગત અનુસાર, સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં રહેતાં પરિવારે સામૂહિક આપઘાત ઘટના સામે આવી છે. પતિ, પત્ની અને પુત્રનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયની લાશ અલગ અલગ રૂમમાંથી મળી આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. સામૂહિક આપઘાતની આશંકા પાછળનું કારણ અકબંધ છે.

પરિવાર ચાર દિવસ પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો

36 વર્ષીય પિતા ફૈઝ અહેમદ, 32 વર્ષીય માતા મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદનાં મોત થયાં છે. મૃતક પરિવાર ચાર દિવસ પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો. તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. DCP રાઘવ જૈન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.