
ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘ઝૂટોપિયા 2’ હિન્દીમાં પણ રિલીઝ થશે. આ હોલિવૂડ ફિલ્મના હિન્દી વર્ઝનમાં એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મના પાત્ર ‘જુડી હોપ્સ’ને પોતાનો અવાજ આપશે. આ ફિલ્મ ભારતમાં 28 નવેમ્બરે હિન્દી, તમિલ, તેલુગુ અને અંગ્રેજીમાં રિલીઝ થશે. આ ફિલ્મ બે દિવસ પહેલા 26 નવેમ્બરે યુનાઇટેડ સ્ટેટ્સમાં રિલીઝ થશે.
ફિલ્મના હિન્દી વર્ઝનની જાહેરાત દરમિયાન કાર્યક્રમમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે, તેને ‘જુડી હોપ્સ’નું પાત્ર તેના વ્યક્તિત્વની ખૂબ નજીક લાગ્યું.
‘જુડી હોપ્સ બિલકુલ મારા જેવી જ છે’
શ્રદ્ધાએ કહ્યું, ‘જુડી હોપ્સની ભૂમિકા મારા જેવી જ છે. તે બુદ્ધિશાળી છે, હંમેશા સકારાત્મક છે અને તેનો સ્વભાવ ખુશખુશાલ છે, જેની સાથે હું સંપૂર્ણપણે જોડાઈ શકું છું. જરૂર પડે ત્યારે તે કઠોર અને સમય આવે ત્યારે નરમ બની શકે છે. જુડીની ભૂમિકા ભજવવાની મને ખૂબ મજા આવી.’
શ્રદ્ધાએ વધુમાં કહ્યું કે, એનિમેટેડ પાત્રને અવાજ આપવો એ એક અલગ અનુભવ હતો.
તેણે કહ્યું, ‘એનિમેટેડ પાત્રને અવાજ આપવો એ એક સંપૂર્ણપણે અલગ અને મનોરંજક અનુભવ છે. આપણે બધાં બાળપણમાં ઘણા લોકોની નકલ કરતા હતા અને હવે એક રમુજી અને કૂલ ‘બની’ (સસલું)ને અવાજ આપવામાં ખૂબ મજા આવતી હતી. મારે જુડીના મૂડ અનુસાર મારો અવાજ બદલવો પડતો હતો, પછી ભલે તે ગુસ્સે હોય કે મસ્તી કરતી હોય. આ બધું એક્સપ્લોર કરવું ખૂબ જ સરસ હતું. તમારે ખરેખર તે પાત્રનો અવાજ બનવું પડે છે.’
આ કાર્યક્રમ દરમિયાન, મીડિયાને ફિલ્મની એક ઝલક પણ બતાવવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાના અવાજમાં જુડી હોપ્સના હાવભાવ અને ઊર્જા દર્શાવવામાં આવી હતી.