
1997ની સુપરહિટ ફિલ્મ ‘યસ બોસ’ના સેટ પર એક નાનકડી ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ, શૂટિંગ દરમિયાન ફિલ્મના પ્રોડ્યૂસર રતન જૈને મજાકમાં ટિપ્પણી કરી હતી કે, જો શાહરૂખ ખાન તેની તારીખો નહીં આપે, તો તે સૈફ અલી ખાનનો વિચાર કરશે. આ સાંભળીને ‘કિંગ ખાન’નો મૂડ બદલાઈ ગયો. તેણે તરત જ જવાબ આપ્યો, ‘સૈફ કોણ છે?’
આટલું કહીને શાહરુખ ખાન ગુસ્સામાં ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો. એવું કહેવામાં આવે છે કે, તેણે સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે, જો ફરીથી કોઈ અન્ય એક્ટરનું નામ લેવામાં આવશે, તો તે ફિલ્મ છોડી દેશે. જોકે, પરિસ્થિતિ બગડતી જોઈને ફિલ્મના ડિરેક્ટર અઝીઝ મિર્ઝા અને જુહી ચાવલાએ સ્થિતિ સંભાળી.
અહેવાલો અનુસાર, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની ઐતિહાસિક સફળતા પછી, શાહરૂખ ખાન પોતાની છબી પ્રત્યે ખૂબ જ સભાન હતો. ‘યસ બોસ’ તેના માટે ‘રોમાન્સના કિંગ’ તરીકેની પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાની તક હતી. દરમિયાન, સૈફ અલી ખાન તે સમયે પોતાની કારકિર્દી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની ફિલ્મો ખાસ અસર કરી રહી ન હતી. કદાચ આ જ કારણ છે કે શાહરુખે સરખામણીનો વિરોધ કર્યો હતો.
બાદમાં અઝીઝ મિર્ઝાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘શાહરૂખ ખાન પોતાના પ્રોજેક્ટ્સને માત્ર અભિનય જ નહીં, પણ સંપૂર્ણ જવાબદારી સાથે આગળ વધારે છે. તે સમયે તેમનો ગુસ્સો વાસ્તવમાં ફિલ્મ પ્રત્યેના પ્રેમથી જોડાયેલો હતો.’
‘યસ બોસ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. જુહી અને શાહરૂખ ખાનની જોડી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની. ગીતો, વાર્તા અને શાહરૂખ ખાનની નિર્દોષ રોમેન્ટિક શૈલીએ આ ફિલ્મને 90ના દાયકાની ક્લાસિક હિટ ફિલ્મોમાંની એક બનાવી.
સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરતી વખતે સૈફ અલી ખાને આ કિસ્સા વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘શાહરુખે જે પ્રકારની કારકિર્દી બનાવી છે, ત્યારબાદ સરખામણીનો કોઈ અવકાશ જ નથી.’