‘દીદીના ગીતો અને સ્મિત હંમેશા આપણી સાથે રહેશે’:સિંગર-એક્ટ્રેસ સુલક્ષણા પંડિતને યાદ કરી પરિવાર ભાવૂક; સોમવારે મુંબઈમાં પ્રાર્થના સભા યોજાશે

હિન્દી સિનેમાનાં સુપ્રસિદ્ધ ગાયિકા અને એક્ટ્રેસ સુલક્ષણા પંડિતનું શનિવારે 71 વર્ષની વયે અવસાન થયું. 1954થી બોલિવૂડ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાના સૂરીલા અવાજથી દિલને સ્પર્શી જનાર સુલક્ષણા પંડિત હવે આ દુનિયામાં રહ્યા નથી.

તેમના નિધનથી સમગ્ર ફિલ્મ અને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સુલક્ષણાની આત્માની શાંતિ માટે સોમવાર, 10 નવેમ્બર 2025ના રોજ બપોરે 12થી દોઢ વાગ્યા સુધી મુંબઈના જુહૂમાં સ્થિત ઇસ્કોન મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

પંડિત પરિવારે માહિતી આપી છે કે, આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પરિવાર, મિત્રો, સંગીતકારો, એક્ટર્સ અને ફિલ્મ હસ્તીઓ હાજર રહેશે. સુલક્ષણાએ સંગીત, અભિનય અને સંસ્કૃતિ પ્રત્યેની તેમના જીવનની સેવા દ્વારા અસંખ્ય હૃદયને સ્પર્શી લીધાં. 1970 અને 80ના દાયકામાં, તેમણે ન માત્ર ઘણી લોકપ્રિય ફિલ્મોમાં ગીતો ગાયા પરંતુ અભિનયથી પણ દર્શકોના દિલ જીતી લીધાં.

પંડિત પરિવારની સંગીત પરંપરામાં, સુલક્ષણાનું નામ સાદગી અને કરુણા બંનેનું પ્રતીક માનવામાં આવે છે. બહેન વિજયા, ભાઈઓ જતીન અને લલિત અને સમગ્ર પરિવાર ચાહકોને આ દુઃખના સમયમાં તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થનામાં જોડાવા વિનંતી કરી રહ્યા છે.

પરિવાર તરફથી એક હૃદયસ્પર્શી સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘સુલક્ષણા દીદીએ જે પ્રેમ અને સ્નેહથી દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું, તે હંમેશા આપણી સાથે રહેશે. તેમના ગીતો, તેમનું સ્મિત અને તેમની યાદો હંમેશા આપણને પ્રેરણા આપશે.’

‘સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ પ્રતિભાશાળી કલાકારને શ્રદ્ધાંજલિ આપી રહી છે. સંગીત પ્રેમીઓ સુલક્ષણાજીના યોગદાનને આવનારા વર્ષો સુધી યાદ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *