
અમદાવાદના શિલજ કેનાલ રોડ પર ૧૨ સપ્ટેમ્બરની મોડી રાત્રે થયેલા જીવલેણ અકસ્માતના કેસમાં બોપલ પોલીસે કાર્યવાહી કરીને ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આ અકસ્માતમાં એક્સેસ ચાલક મહિલાનું મોત થયું હતું. બોપલ પોલીસએ સીસીટીવીફ ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ આગળ વધારી આરોપીની ઓળખ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, શિલજ કેનાલ રોડ પર એક મોટરસાઇકલ ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી એક્સેસ ચાલક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં ૨૯ વર્ષીય નીશીબેન હાદિકભાઈ દરજીનું મોત થયું હતું. ઘટના બાદ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળની સીસીટીવી અને સાક્ષીઓના નિવેદનોના આધારે અકસ્માત કરનાર મોટરસાઇકલ ચાલકની ઓળખ કરી હતી.
તપાસમાં મોટરસાઇકલ ચલાવનાર તરીકે સુનિલ ગણેશ પરમારનું નામ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અકસ્માત બાદ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ સારવાર દરમિયાન ડાક્ટરની પરવાનગી વગર હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો.આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસની ટીમોએ અમદાવાદ ઉપરાંત આરોપીના વતન તરફ પણ તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસ દરમિયાન આરોપી તેના વતન ડુંગરપુર, રાજસ્થાનમાં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે તેને ત્યાંથી ઝડપી લીધો હતો. આરોપીને અમદાવાદ લાવી કેસ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૮ઃ૧૫ વાગ્યે આરોપી સુનિલ ઉર્ફે સણકો ગણેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧ તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭ અને ૧૮૪ હેઠળ ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ આરોપી ક્યાં ગયો હતો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુનિલ ઉર્ફે સણકો પરમારની ઉંમર ૧૯ વર્ષ છે અને તે મૂળ ડુંગરપુર જિલ્લાના દોવડા તાલુકાના પગારા ગામનો રહેવાસી છે.