
સુરત શહેરમાં સાયબર ક્રાઈમના વધુ એક ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ઠગોએ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નામ, ફોટોગ્રાફ અને ઓળખનો દુરુપયોગ કરી તેમના નામે બનાવટી ફેસબુક અને ઇસ્ટાગ્રામ પ્રોફાઇલ તથા ગોવિદ ભાઇ નામથી ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. જૂના ચલણી સિક્કા અને નોટોના બદલામાં લાખો-કરોડો રૂપિયા મળશે તેવી લાલચ આપી લોકોને ફસાવવામાં આવતા હતા.
આ સમગ્ર મામલે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ તપાસના આધારે હરિયાણાના નૂહ જિલ્લામાં પહોંચી કાર્યવાહી કરી મેવાતી ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નામે બનાવટી ઓળખ દસ્તાવેજા તૈયાર કરી વિશ્વાસ ઉભો કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, સાંસદના નામ અને ફોટાનો ઉપયોગ કરી ફેરફાર કરેલા વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયા મારફતે તેનો પ્રચાર કરવામાં આવતો હતો.
પોલીસની તપાસ મુજબ આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી સૌપ્રથમ સોશિયલ મીડિયા પરથી સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના ફોટોગ્રાફ અને અન્ય જાહેરમાં ઉપલબ્ધ માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમના નામનો ઉપયોગ કરીને બનાવટી ફેસબુક અને ઇસ્ટાગ્રામ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બનાવટી વોટ્સએપ એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું હતું. લોકોને વધુ વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ સાંસદના નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરીને બનાવટી આધારકાર્ડ અને પીન કાર્ડ જેવા ઓળખ દસ્તાવેજો પણ તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજો તથા સાંસદના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરીને સામેની વ્યક્તિને એવું માનવા પ્રેરવામાં આવતી હતી કે તેઓ ખરેખર ગોવિંદભાઈ ધોળકિયા સાથે જ વાતચીત કરી રહ્યા છે.
આરોપીઓનો મુખ્ય ટાર્ગેટ એવા લોકો હતા જેઓ જૂના ચલણી સિક્કા અથવા નોટો વેચીને મોટી રકમ મેળવવા માંગતા હોય. સોશિયલ મીડિયા પર એવી પ્રચારાત્મક પોસ્ટ અને વીડિયો મૂકવામાં આવતા હતા જેમાં જૂના સિક્કા અને નોટોના બદલામાં લાખો-કરોડો રૂપિયા મળવાની વાત કરવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નામ અને ફોટાનો ઉપયોગ કરીને ડીપફેક અથવા ફેરફાર કરેલા વીડિયો તૈયાર કર્યા હતા. આ વીડિયો અને પોસ્ટને ફેક એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવતા હતા. આ પ્રકારની પોસ્ટ જોઈને કોઈ વ્યક્તિ સંપર્ક કરે ત્યારે આરોપીઓ ગોવિંદભાઇ નામના વોટ્સએપ એકાઉન્ટ પરથી તેની સાથે વાતચીત કરતા હતા.
પોતાની ઓળખ ગોવિંદભાઈ ધોળકિયા તરીકે આપીને જૂના સિક્કા કે નોટોની કિંમત ખૂબ મોટી હોવાનું જણાવી સામેવાળાને વિશ્વાસમાં લેવામાં આવતો હતો. એક વખત વ્યક્તિ આરોપીઓની વાતમાં આવી જાય ત્યારબાદ સાયબર ઠગાઈનો બીજા તબક્કો શરૂ થતો હતો. જૂના સિક્કા કે નોટોની મોટી રકમ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અલગ-અલગ ચાર્જ ભરવાના બહાના કાઢવામાં આવતા હતા. આરોપીઓ અલગ-અલગ ચાર્જના નામે પૈસા માગતા હતા. આ રકમ મેળવવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટ, યુપીઆઇ ઇડી અને કયુઆર કોડ આપવામાં આવતા હતા. પીડિત વ્યક્તિ પાસેથી એક વખત રૂપિયા મળી ગયા બાદ ફરી નવા ચાર્જના નામે વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર. પટેલની ટીમે ટેકનિકલ વર્કઆઉટ શરૂ કરતાં આ સાયબર ઠગાઈનું નેટવર્ક હરિયાણામાંથી ઓપરેટ થતું હોવાની માહિતી મળી હતી.