
હૃદય આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે. એ અવિરતપણે લોહી પંપ કરે છે, ક્યારેક સમસ્યાઓ ઊભી થાય ત્યારે ચેતવણીના સંકેતો આપે છે. આ સંકેતોને અવગણવાથી અચાનક હૃદયરોગનો હુમલો આવી શકે છે. જો તમે હૃદયરોગના હુમલા દરમિયાન એકલા હોવ, તો એ વધુ ખતરનાક બની શકે છે.
અમેરિકન હાર્ટ એસોસિયેશન અનુસાર, ભારત સહિત વિશ્વભરમાં લગભગ 50% અચાનક હૃદયરોગનાં મૃત્યુ ત્યારે થાય છે જ્યારે દર્દી એકલો હોય અને એમ્બ્યુલન્સ મોડી પહોંચે.
મોટા ભાગના લોકો શરૂઆતના સંકેતોને અવગણે છે, તેમને થાક અથવા ગેસ સમજી લે છે. જો પ્રથમ 90 મિનિટમાં યોગ્ય સારવાર આપવામાં આવે તો વ્યક્તિના બચવાની શક્યતા 80% છે.
‘ફિઝિકલ હેલ્થ’માં આપણે શીખીશું કે જો તમે હૃદયરોગના હુમલા દરમિયાન એકલા હોવ તો શું કરવું. આપણે એ પણ જાણીશું કે:
- હાર્ટ-એટેકના શરૂઆતના સંકેતો શું છે?
- જ્યારે તમે એકલા હોવ ત્યારે કયાં 10 જરૂરી પગલાં લેવાં?
પ્રશ્ન: હાર્ટ-એટેક દરમિયાન એકલા રહેવું કેમ આટલું જોખમી છે?
જવાબ: જ્યારે હૃદયની ધમનીઓ બ્લોક થઈ જાય છે ત્યારે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. દર મિનિટે આશરે 1 મિલિયન હૃદય કોષો મૃત્યુ પામે છે. જો તમે એકલા હો તો તમારી જાતને મદદ કરવી અને યોગ્ય પગલાં લેવાનું મુશ્કેલ બને છે. ક્યારેક તમે એમ્બ્યુલન્સ પણ બોલાવી શકતા નથી. મોટા ભાગના કિસ્સાઓમાં લોકો ચિહ્નોને ઓળખી શકતાં નથી, તેથી તેમને સમયસર સારવાર મળતી નથી.