પતિ તમારા બદલે તેના માતા-પિતાને વધુ સમય આપે છે?:લગ્નજીવન ટોક્સિક બની જાય તે પહેલા 6 રેડ ફ્લેગ્સ ઓળખી લો, જાણો સંબંધમાં સંતુલન જાળવવાના 5 સ્ટેપ્સ

પ્રશ્ન: મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે. શરૂઆતમાં બધું સારું હતું. અમે બંને નોકરી કરીએ છીએ, તેથી અમને આખા અઠવાડિયામાં ખૂબ ઓછો સમય સાથે વિતાવવા મળે છે. હું ઇચ્છું છું કે વિકેન્ડમાં અમે સાથે સમય પસાર કરીએ. અમે થોડો સમય બહાર જઈ શકીએ, ખૂલીને વાત કરી શકીએ અથવા ફક્ત ઘરે સાથે સમય વિતાવી શકીએ. પરંતુ મારા પતિ દર સપ્તાહના અંતે તેના માતા-પિતાના ઘરે જતા રહે છે. તે સવારે જાય છે, આખો દિવસ ત્યાં રહે છે, અને ક્યારેક રાત પણ રોકાય છે.

મને ગમે છે કે તે તેના માતા-પિતાની ખૂબ કાળજી રાખે છે. પણ મને પણ સમયની જરૂર છે. જ્યારે હું તેના વિશે વાત કરું છું, ત્યારે તે કહે છે, ‘તું વધારે પડતું વિચારી રહી છો, હું ફક્ત મારી ફરજ બજાવી રહ્યો છું.’ પરંતુ મારા માટે, તે ફક્ત ફરજ વિશે નથી, તે અમારા સંબંધમાં સમાન સમય (ઇક્વલ ટાઇમ) અને ધ્યાન (અટેન્શન) વિશે છે.

મને ખબર નથી પડતી કે શું કરું? તેને કેવી રીતે સમજાવું કે હું તેને તેના માતા-પિતાથી દૂર કરવા માંગતી નથી, હું ફક્ત અમારી વચ્ચે સંતુલન ઇચ્છું છું. શું પતિ માટે તેની પત્ની કરતાં તેના માતા-પિતા સાથે વધુ સમય વિતાવવો સામાન્ય છે? કે પછી મારે મારી પ્રતિક્રિયા બદલવી જોઈએ?

નિષ્ણાત: ડૉ. જયા સુકુલ, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, નોઈડા

જવાબ: તમે જે અનુભવી રહ્યા છો તે સંપૂર્ણપણે માન્ય છે. લગ્નના ત્રણ વર્ષ પછી સંબંધમાં આવી લાગણીઓ થવી અસામાન્ય નથી. તમે ઉલ્લેખ કર્યો છે કે, તમારા પતિ દર વિકેન્ડ પર તેના માતા-પિતાના ઘરે જાય છે અને તેમની કહેલી દરેક વાતનું પાલન કરે છે અને જ્યારે તમે તેના વિશે વાત કરો છો, ત્યારે તે કહે છે કે તમે ઓવરરિએક્ટ રહ્યા છો.

આનાથી તમને એવું લાગે છે કે તે તમારી અવગણના કરી રહ્યો છે. તમે અત્યારે એકલતા અથવા નારાજગી અનુભવી રહ્યા છો, પરંતુ સારી વાત એ છે કે તમે આને ઓળખી રહ્યા છો અને તેનો ઉકેલ લાવવા માંગો છો. ચાલો જોઈએ કે સંબંધમાં સંતુલન લાવવા માટે તમે શું કરી શકો છો.

પતિનું માતા-પિતા સાથે જોડાણ ખોટું નથી, પરંતુ સંતુલન ખૂબ જ જરૂરી છે

ભારતમાં કૌટુંબિક પરંપરાઓ ખૂબ જ ઊંડી છે. બાળપણથી જ બાળકોને શીખવવામાં આવે છે કે, તેમના માતા-પિતાનો આદર કરવો એ સર્વોપરી છે. તેથી, જો તમારા પતિ તેમની સાથે વધુ સમય વિતાવવા માંગે છે, તો તે સંપૂર્ણપણે તેમની ભૂલ નથી. તે તેમની લાગણીઓ અને ઉછેરનો એક ભાગ છે, પરંતુ તેમણે સમજવું જોઈએ કે લગ્ન પછી જીવન બદલાય છે.

ત્યારબાદ, સંબંધ ફક્ત દીકરા અને માતા-પિતા વચ્ચેનો નથી હોતો, પરંતુ પત્ની પણ તેમાં સામેલ હોય છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે, જ્યારે વ્યક્તિનો માતા-પિતા પ્રત્યેનો ઝુકાવ એટલો મજબૂત થઈ જાય છે કે પત્નીને બાજુ પર રાખવામાં આવી હોવાનો અનુભવ થાય છે.