કોફી પીવાથી હાર્ટએટેકનો ખતરો:કોફીનું કોલેસ્ટ્રોલ કનેક્શન જોખમી, લંડનના ડૉક્ટરે ચેતવણી આપી, બનાવટની આ પદ્ધતિ કોઈ નુકસાન નહીં કરે

શું તમે રોજ સવારે જે કોફી પીવો છો એ તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ (LDL) વધારી શકે છે? લંડનના એક ડોક્ટરે તાજેતરમાં એવી ચેતવણી આપી છે જે તમારી કોફી પીવાની આદતને હંમેશાં માટે બદલી શકે છે, જોકે ગભરાવાની જરૂર નથી. નિષ્ણાતોના મતે પ્રોબ્લેમ કોફીમાં નથી, પણ તમે એને કેવી રીતે બનાવો છો એમાં છે. શું છે એ ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ.

કોફી અને કોલેસ્ટ્રોલનું કનેક્શન શું છે?

કોફીના દાણામાં (બીન્સ) બે કુદરતી તેલ એટલે કે ઓઇલ હોય છે, જેમનાં નામ છે કેફેસ્ટોલ (Cafestol) અને કહેવિઓલ (Kaheweol). આ બંને તત્ત્વો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પર સીધી અસર કરે છે.

કઈ કોફી છે સૌથી વધુ જોખમી?

જ્યારે તમે કોફીને ફિલ્ટર કર્યા વગર સીધી જ પાણીમાં ઉકાળો છો (જેમ કે ટર્કિશ કોફી, ફ્રેન્ચ પ્રેસ કોફી અથવા ગામડાંમાં બનતી ઉકાળેલી કોફી), ત્યારે આ બંને તેલ – કેફેસ્ટોલ અને કહેવિઓલ – ફિલ્ટર થતાં નથી અને સીધા તમારા કપમાં પહોંચી જાય છે.

આ ઓઇલ શરીરમાં શું નુકસાન કરે છે?

જ્યારે આ તત્ત્વો તમારા શરીરમાં પહોંચે છે ત્યારે એ ‘ખરાબ કોલેસ્ટેરોલ’ એટલે કે LDLને સાફ કરવાની શરીરની કુદરતી પ્રક્રિયાને ધીમી પાડી દે છે. પરિણામે, આ ખરાબ કોલેસ્ટેરોલ લોહીની નળીઓ (ધમનીઓ)માં જમા થવા લાગે છે, જે ભવિષ્યમાં હાઈ કોલેસ્ટેરોલ બ્લોકેજ અને હાર્ટ- એટેકનું જોખમ ઊભું કરી શકે છે.

તો કઈ કોફી છે સૌથી સુરક્ષિત?

આનો સૌથી સરળ અને સુરક્ષિત ઉપાય છે ‘પેપર ફિલ્ટર’ (કાગળનું ફિલ્ટર).

  • પેપર ફિલ્ટર કોફી: જ્યારે તમે કોફી બનાવવા માટે પેપર ફિલ્ટરનો ઉપયોગ કરો છો, ત્યારે કાગળ આ બંને હાનિકારક ઓઇલને 99% સુધી શોષી લે છે અને એને તમારા કપમાં આવતા અટકાવે છે.
  • ઈન્સ્ટન્ટ કોફી: ઈન્સ્ટન્ટ કોફી (જે પાઉડર પાણીમાં ઓગળી જાય છે) બનાવવાની પ્રક્રિયામાં આ તેલ પહેલેથી જ દૂર થઈ ગયેલાં હોય છે, તેથી એને પણ સુરક્ષિત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *