
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. મુખ્યમંત્રીએ આઝાદીના શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહેલા ભારતમાં આજે ‘રાષ્ટ્રહિત પ્રથમ’નો મંત્ર સહિત અનેક વિષયો પર વાત કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદીના આઠ દાયકા આ વર્ષે ગૌરવભેર પૂરા કરીને શતાબ્દી વર્ષ તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ. દેશને આવી મહામૂલી સ્વતંત્રતા અપાવનારા આઝાદીના લડવૈયાઓ, દેશ માટે વીરગતિ વ્હોરનારા નામી-અનામી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું. એમણે આપેલી એ વિરાસતના સન્માન અને દેશના સ્વાભિમાન સાથે દુનિયાના દેશો સમક્ષ એક વિશિષ્ટ છબી ભારતે મૂકી છે. આઝાદી માટે ખપી જનારા વીરોનો મંત્ર હતો દેશ માટે મરી ફિટવાનો, રાષ્ટ્રકાજે સમર્પિત રહેવાનો. આજે જન-જનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી દેશ માટે જીવી જાણવાનો અને રાષ્ટ્રહિત પ્રથમનો મંત્ર ગુંજે છે.
દેશની વિરાસતોનું ગૌરવ કરવાના અનેક અવસરો પણ વડાપ્રધાન મોદીએ આપણને આપ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીથી આપણે સનાતન સંસ્કૃતિની વિરાસતને ગૌરવમય બનાવી છે. વિરાસતોના ગૌરવ સાથે વિકાસની નીત નવી ઊંચાઈઓ આપણે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં
‘વિરાસત ભી વિકાસ ભી’ થી પાર કરી છે. તેમણે વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને મુખ્ય આધાર ગણાવ્યાં છે. આપણે પણ ગુજરાતમાં આ ચાર પિલ્લરના સશક્તિકરણ માટે અનેક આયામો પાર પાડ્યા છે. ગરીબો, વંચિતો અને જરૂરતમંદ લોકોને કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં રાખીને સેચ્યુરેશન એપ્રોચથી સો ટકા લોકો સુધી યોજનાઓના લાભ પહોંચાડી રહ્યાં છીએ.
યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી પણ અમલી બનાવી છે. ડેટા, છૈં ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલીસી અમલી બનાવી છે. હવે આપણા યુવાનો જાબ સિકરમાંથી જાબ ગિવર બની રહ્યા છે. આવી હોનહાર યુવાશક્તિના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવાનો વડાપ્રધાને મક્કમ નિર્ધાર કર્યો છે. યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને નશ્યત કરવા જાહેર પરીક્ષા સુધારા વિધેયક તાજેતરમાં સંસદે પારિત કર્યું છે. ટેક્નોલોજીનો પારદર્શી ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે.
અન્નદાતા-ખેડૂતના હિતોને પણ અગ્રતા આપી છે. ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી દરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે. એટલું જ નહીં, કુદરતી આફતો સામે ઉદાર સહાય પેકેજ આપીને સરકાર ખેડૂતોની હામી બની છે. સમાજનો ૫૦ ટકા હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે. રોજગારીના સર્જનમાં નારીશક્તિની ભાગીદારી ૪૨ ટકા છે, તે ૨૦૪૭ સુધીમાં ૭૫ ટકા સુધી લઈ જવાની નેમ છે. પાંચ લાખથી વધુ બહેનો લખપતિ દીદી બનીને પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે. ઉદ્યોગ ક્ષેત્રે શી-સ્ટાર્ટઅપ અને સહકારી ક્ષેત્રે મહિલા મંડળીઓને પણ પ્રોત્સાહનો પૂરા પાડ્યાં છે.
આવનારા સમયમાં વિકાસ અને અર્થતંત્રની પ્રગતિમાં ટેક્નોલોજી મુખ્ય પરિબળ બનવાની છે એ વાત નિશ્ચિત છે. ટેકનોલોજીના અને ઇમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાત મહત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયાં છે. આના પરિણામે નવા એમએસએમઇ અને નવા ઉદ્યોગો માટે આત્મનિર્ભરતાની તકો ઉભી થઈ છે. વડાપ્રધાને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની આગવી દિશા આપી છે. ગામડું હોય કે નગર, દરેક વ્યક્તિ અને સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવાયજ્ઞ તેમણે આદર્યો છે. ગુજરાતમાં એ જ માર્ગે ચાલીને વોકલ ફોર લોકલથી ગ્રામીણ ઉદ્યોગો, હસ્ત કલા, વિરાસતોને ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે.
વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે વિશ્વના દેશોના ઉદ્યોગ-રોકાણકારો ગુજરાત આવ્યા છે. હવે, લોકલ એસ્પીરેશન, ગ્લોબલ એમ્બીશનના ધ્યેય સાથે આપણી પ્રાદેશિક ક્ષમતાઓને વિશ્વ સમક્ષ મૂકી છે. એ માટે ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પાર પાડી છે અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વીક બજાર મળ્યું છે. ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટીનેશન બન્યું છે. પોલિસી ડ્રિવન સ્ટેટ અને પ્રો-એક્ટીવ ગવર્નન્સની ગુજરાતની ઈમેજને સમય અનુરૂપ પોલીસી રીફોર્મ્સ તથા પોલીસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે. નવી ઉદ્યોગ નીતિ-૨૦૨૬ અને ડેટા સેન્ટર પોલિસી શિપ બિલ્ડીંગ એન્ડ રીપેર પોલિસી જાહેર કરીને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપ્યો છે.