સલમાન ખાન ઐશ્વર્યાનો ભાઈ બનવા રાજી હતો!:’જોશ’ ફિલ્મના પ્રોડ્યૂસર રતન જૈનનો ખુલાસો, ‘હમ દિલ દે ચૂકે સનમ’ મળતા ‘ભાઇજાન’એ વિચાર માંડી વાળ્યો

બોલિવૂડમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના અફેરની ચર્ચાએ એક સમયે ખૂબ જોર પકડ્યું હતું. બંને સ્ટાર્સ એકબીજાને ખૂબ પસંદ કરતા હતાં. જોકે, એક ફિલ્મ માટે ‘ભાઈજાન’ ઐશ્વર્યાના ભાઈનો રોલ કરવા તૈયાર થઈ ગયો હતો. બાદમાં સલમાનને સંજય લીલા ભણસાલીની ફિલ્મ મળી જતા, તેણે ‘જોશ’ ફિલ્મ છોડી દીધી. ‘જોશ’ ફિલ્મના પ્રોડ્યૂસરે આ અંગે ખુલાસો કર્યો છે.

પ્રોડ્યૂસર રતન જૈને તાજેતરમાં જણાવ્યું હતું કે, શાહરુખ ખાન અને આમિર ખાનને લઈને ‘જોશ’ ફિલ્મ બનાવવાની યોજના હતી. જોકે શાહરૂખ ખાન અને ચંદ્રચૂડ સિંહે પાછળથી શાહરૂખ ખાન અને આમિર ખાન માટે બનાવાયેલી ભૂમિકાઓ ભજવી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ હતી અને સલમાન ખાનને ઐશ્વર્યાના ભાઈની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, જે તેમણે ભજવવા માટે સંમતિ આપી હતી.

તાજેતરમાં, રતન જૈને ‘TV9 ભારતવર્ષ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છતા હતા કે શાહરૂખ ફિલ્મમાં ‘મેક્સ’​​​​​​​ની ભૂમિકા ભજવે, પરંતુ ફિલ્મના ડિરેક્ટર મન્સૂર ખાન ઇચ્છતા હતા કે, આમિર ‘​​​​​​​મેક્સ’​​​​​​​ની ભૂમિકા ભજવે.

મન્સૂર આમિર ખાનના પિતરાઈ ભાઈ છે અને આમિરે મન્સૂરની ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.