રાજકોટ: મૂકબધિર સગીરાને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવ્યા, ૨ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

રાજકોટ: મૂકબધિર સગીરાને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવ્યા, ૨ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

શહેરમાં એક ચોંકાવનારી અને ગંભીર બ્લેકમેઇલિંગની ઘટના સામે આવી છે. જ્યાં ૧૭ વર્ષીય મૂકબધિર તરૂણીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૭ લાખ ૭૦ હજારની મોટી રકમ બળજબરીપૂર્વક પડાવી લેવાઈ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ગુનામાં સામેલ ત્રણ પૈકી બે આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

૧૭ વર્ષીય મૂકબધિરની ૪૯ વર્ષીય માતા દ્વારા ભક્તિનગર પોલીસ મથકે બળજબરીપૂર્વક નાણાં પડાવી લેવા, જાનથી મારી નાખવાની ધમકી આપવી, જાતીય સતામણી કરવી તેમજ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ પાડોશમાં રહેતી સગીર વયની યુવતી તેમજ ૠત્વિક નામના યુવક સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની તપાસમાં વધુ એક યુવકની સંડોવણી ખુલતા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં બે જેટલા યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાડોશમાં રહેતી એક તરૂણી અને તેનો મિત્ર ૠત્વિક રાજાણી ભોગ બનનાર મૂકબધિર તરૂણીને ઘર નજીક આવેલા બગીચામાં લઈ ગયા હતા. જ્યાં તરૂણીની મદદથી ૠત્વિક સાથે તેનો ફોટો પાડ્યો હતો અને ૠત્વિકે સગીરા સાથે અડપલાં કર્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીઓએ ફોટો વાયરલ કરવાની ધમકી આપી કટકે-કટકે રૂ. ૭.૭૦ લાખ પડાવી લીધા હતા. ભોગ બનનાર તરૂણી કોઈને કહી ન શકે તેવી સ્થિતિમાં ફસાઈ ગઈ હતી.

તરૂણીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી જેઠના પુત્રએ દાગીના ખરીદવા માટે રૂ. ૭.૭૦ લાખ આપ્યા હતા. જે રકમ સેટીમાં રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં રકમ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. જો કે, જે તે સમયે ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી પોલીસને આ બાબતે જાણ કરવામાં નહોતી આવી. તેમજ ત્યારબાદ લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ મૂકબધિર પુત્રીને પૂછતાં તેણે સાંકેતિક ભાષામાં સંપૂર્ણ હકીક્ત પરિવારજનોને જણાવી હતી. જે હકીક્ત જાણીને પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતાં તેમજ તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ૠત્વિક રાજેશ રાજાણી અને સમીર ઉર્ફે નવાઝ રહીમ દોઢીયાની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, સમીરે જ ભોગ બનનાર તરૂણી સાથે ૠત્વિકની મિત્રતા કરાવી હતી. આ મામલે એક યુવતીની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૭.૭૦ લાખની રકમ કબજે કરવા તજવીજ શરૂ કરી છે.