ઝેરી ડમ્પિંગ સાઇટ મુદ્દે બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી સભાઓનો ધમધમાટ

3 ઓગસ્ટે ગાંધીનગર સ્થિત GPCB કચેરીએ ધરણા માટે ગ્રામજનોને આહ્વાન

બાલાસિનોર તાલુકામાં આવેલી વિવાદાસ્પદ ડમ્પિંગ સાઇટને લઈને સ્થાનિક ગ્રામજનોમાં રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવાની માંગ સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન તેજ બન્યું છે અને ગામે ગામ રાત્રી સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અંતર્ગત વડદલા ગામના રત્નાજીના મુવાડા તથા દલાજીના મુવાડા ખાતે જનજાગૃતિ મિટિંગ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. બેઠક દરમિયાન આગામી તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ૠઙઈઇ) કચેરી ખાતે યોજાનારા ધરણા અને આંદોલનને સફળ બનાવવા માટે વધુમાં વધુ લોકો જોડાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટમાંથી નીકળતા લાલ રંગના કેમિકલયુક્ત ઝેરી પ્રવાહ અને તેના કારણે પર્યાવરણ તેમજ ગ્રામજનોના આરોગ્ય પર થતી અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી હતી.

સભામાં ઉપસ્થિત લોકોએ “ડમ્પિંગ ભગાવો બાલાસિનોર બચાવોના સૂત્ર સાથે એકજૂટ રહી જનઆંદોલનને સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગામે ગામ યોજાઈ રહેલી રાત્રી સભાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ડમ્પિંગ સાઇટનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.