ઝાલોદ તાલુકાના જેતપુર ગામે વર્ષો અગાઉ જમીન માપણીની અદાવત રાખી દંપત્તિ પર હુમલો કરી પત્નિનો પગ તોડી નાંખી ઈજા પહોંચાડવાના ગુનામાં ઝાલોદની એડિશનલ ચીફ જયુડિ.મેજી.કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી દોઢ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
જેતપુર ગામે રહેતા સોમાભાઈ ધિરાભાઈએ પોતાની માલિકીની સર્વે નં.-૪/૨ વાળી જમીનની માપણી કરવાનુ નકકી કર્યુ હતુ. આ બાબતની અદાવત રાખી તે જ ગામના મહેન્દ્રભાઈ મનાભાઈ ડામોરે સોમાભાઈ સાથે બોલાચાલી કરી તેમને ઝાપટો મારી હતી. તે સમયે મહેન્દ્રભાઈએ સોમાભાઈના પત્નિ મીરાબેન પર લાકડી વડે હુમલો કરનાર મહેન્દ્ર ડામોરને જેલ અને દંડનો હુકમ કર્યો હતો. આ હુમલામાં મીરાબેનને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં ફ્રેકચર થયુ હતુ. આ અંગે સોમાભાઈએ મહેન્દ્ર ડામોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ઝાલોદના એડિ.ચીફ જયુડિ.મેજી.એસ.એ.ટેલરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વી.એસ.મછારે રજુ કરેલા મોૈખિક તેમજ દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી મહેન્દ્રભાઈ મનાભાઈ ડામોરને ગુનામાં છ માસની સાદી કેદ તેમજ ગંભીર ઈજા પહોંચાડવાના ગુનામાં એક વર્ષ અને છ માસની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને .૧,૦૦૦ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની કેદનો હુકમ ફટકાર્યો છે.