ઝાલોદમાં સચિન પાયલોટનું કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત

કુશલગઢ જતાં માર્ગમાં ૧૦ મિનિટ રોકાયા; ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી, ભાજપ પર સાધ્યું નિશાન.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તથા રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી રાજસ્થાનના કુશલગઢ ખાતે જતાં માર્ગમાં સોમવારે ઝાલોદ ખાતે ટૂંકા સમય માટે રોકાયા હતા. આ પ્રસંગે દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સચિન પાયલોટના આગમનને લઈને ઝાલોદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ કોંગ્રેસ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, જીલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-કુંડીના તાલ સાથે કુમકુમ ચાંદલો કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગેવાનો અને કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી આવકાર્યો હતો.

ઝાલોદ ખાતે અંદાજે દસ મિનિટના ટૂંકા પ્રવાસ દરમિયાન સચિન પાયલોટે ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. કાર્યકર્તાઓ સાથેની ટૂંકી વાતચીત દરમિયાન સચિન પાયલોટે જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લો અને ઝાલોદ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે અને અહીંની જનતાએ કોંગ્રેસને સતત સમર્થન આપ્યું છે. અમદાવાદથી રાજસ્થાનના કુશલગઢ જતાં માર્ગમાં ઝાલોદ ખાતે મળેલા ઉષ્માભર્યા આવકાર બદલ તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની ગતિ સંતોષકારક રહી નથી. ખેડૂતો અને યુવાનોની અપેક્ષાઓ હજુ પણ અધૂરી છે. આગામી સમયમાં કોંગ્રેસને જનતાની સેવા કરવાનો અવસર મળશે તો ખેડૂતો, યુવાનો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે અને લોકોની આશાઓને સાકાર કરવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ રહેશે.