મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર,૧૩ જુલાઈ ૨૦ર૬: આજ રોજ મહીસાગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી અને અગાઉના વર્ષોના વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત મંજૂર કરાયેલા વિવિધ વિકાસના કામોની ભૌતિક તેમજ નાણાકીય પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં ધારાસભ્યશ્રીઓની જોગવાઈ, સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS), ATVT, વિવેકાધીન અને પ્રોત્સાહક યોજનાઓ સહિતની વિવિધ સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલા વિકાસ કામોની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં મોટાભાગના મંજૂર થયેલા કામો ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા છે અને બાકી રહેલા કામો હાલ પ્રગતિ હેઠળ છે. સરકારના વિવિધ વિભાગો વચ્ચેના સંકલનથી આ કામો સમયસર પૂર્ણ થાય તે દિશામાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

કામોમાં સંપૂર્ણ પારદર્શિતા અને ગુણવત્તા જાળવવાના હેતુથી કામોનું જીઓ-ટેગીંગ (Geo-tagging) પણ ફરજિયાતપણે કરવામાં આવી રહ્યું છે. સમીક્ષા દરમિયાન મોટાભાગના કામોનું સફળતાપૂર્વક જીઓ-ટેગીંગ પૂર્ણ થઈ ગયું હોવાની નોંધ લેવામાં આવી હતી.

બેઠકના અંતમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાએ ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સઘન માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પ્રગતિ હેઠળના અને હજુ શરૂ ન થયેલા કામો સત્વરે શરૂ કરી પૂર્ણ કરવામાં આવે. તેમણે વિકાસ કામો સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે સમગ્ર વહીવટી તંત્રને વધુ સંવેદનશીલ અને કાર્યરત બનીને લોકહિતના કાર્યો કરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર, માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.