
મહીસાગર જિલ્લાના કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે, મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આગામી વર્ષ માટેના આયોજન અંગે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ આર્થિક અને સામાજિક સેવાઓ ક્ષેત્રે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો મહત્તમ અને પારદર્શક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. કૃષિ અને પશુપાલન, ડેરી વિકાસ, વન વિકાસ, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ, તેમજ ઉદ્યોગ અને ખનીજ, રસ્તા અને પુલો જેવા આર્થિક ક્ષેત્રોના વિકાસ થકી આદિજાતિ પરિવારોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટેના વિવિધ વિકાસલક્ષી આયોજનોને બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ઉત્કર્ષ માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સામાન્ય અને તાંત્રિક શિક્ષણ સુવિધાઓ સુધારવા, તબીબી અને જાહેર આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ કરવા, પીવાના પાણીની સુવિધા ઊભી કરવા, પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર તેમજ પોષણ અને મધ્યાહન ભોજન જેવી સામાજિક સેવાઓને લગતા પ્રકલ્પોની સમીક્ષા કરી તેને અનુમોદન આપવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી પી. સી. બરંડાએ ઉપસ્થિત તમામ અધિકારીઓને આદિજાતિ વિકાસના કામો સમય મર્યાદામાં અને સંપૂર્ણ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરી હતી, જેથી છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો અને સત્વરે લાભ પહોંચી શકે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, દાહોદ સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડીંડોર, માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.