
દાહોદ સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજીત ઈન્ડક્શન કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ વિભાગની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અગ્નિશામક સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સુરક્ષા અંગે વ્યવહા જ્ઞાન પ્રદાન કરવાનો હતો. મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફાયર સ્ટેશનની કામગીરી, વિવિધ પ્રકારના અગિનિશામક સાધનો, ફાયર ટેન્ડર, રેસ્ક્યુ ઉપકરણો તથા ઈમરજન્સી પ્રતિસાદ પ્રણાલી વિશે વિગતવાર માહિતી આપી. ઉપરાંત આગ લાગવાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ કેવી રીતે આપવો, આગથી બચવાના ઉપાયો તથા સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ફાયર ફાઈટિંગ સાધનોનું જીવંત પ્રદર્શન પણ બતાવવામાં આવ્યું, જેને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું. વિદ્યાર્થીઓએ અધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને ફાયર અને ઈમરજન્સી સેવાઓની કામગીરી અંગે વધુ જાણકારી મેળવી. આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં જાહેર સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધવા ઉપરાંત આપત્તિના સમયમાં જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકાની સમજ પણ વિકસિત થશે. આ મુલાકાતનું આયોજન સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના ઈન્ડક્શન કાર્યક્રમ અંતર્ગત પ્રોફેસર બી. કે. ચાવડા અને ડો. ઈશાક શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.