ઝાલોદ તાલુકા નજીક બાયપાસ હાઈવે રોડ પર વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના ચોલાકોટા જાગતા ફળીયાના રહેવાસી યુવકનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોલાકોટા જાગતા ફળીયાના રહેવાસી મેહુલભાઈ નરસુભાઈ ગણાવા (ઉ.વ.૨૫) ગત તા. ૧૦ મેના રોજ સવારે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના સાળાનો ફોન આવતા ધાબાનું ભરાઈ કામ હોવાથી મસ્ટર મારવા માટે સાસરી પક્ષે સલ્લોપાટ (રાજસ્થાન) આવવા જણાવાયું હતું. ત્યારબાદ મેહુલભાઈ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર ૠઉં-૨૦-ઇઙ-૭૮૭૧ લઈને સાસરી જવા નીકળ્યા હતા.
સાંજ સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. રાત્રિના સમયે પરિવારજનોએ સાસરી પક્ષે સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે મેહુલભાઈ સાંજે સાડા સાત વાગ્યાના આસપાસ સલ્લોપાટથી પોતાના ઘરે પરત નીકળી ગયા હતા. ત્યારબાદ તેમના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન ઉપડ્યો નહોતો.
રાત્રિના આશરે દસ વાગ્યાના સમયે ગામના વિનોદભાઈ શનુભાઈ તડવીએ પરિવારને જાણ કરી હતી કે ઝાલોદ બાયપાસ હાઈવે રોડ ઉપર મેહુલભાઈની મોટર સાયકલને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં મેહુલભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ મેહુલભાઈને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાનાના પી.એમ. મમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મૃતકની માતા સુમલીબેન નરસુભાઈ ગણાવાએ અજાણ્યા વાહનચાલક વિદ્ધ ગફલતભરી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.