વિરપુર તાલુકાના ખેડુતોએ વરસાદ ખેંચાતા સુજલામ-સુફલામ કેનાલમાં કડાણા ડેમથી પાણી છોડવા માંગ

વિરપુર તાલુકામાં છેલ્લા આશરે ૨૦ દિવસથી વરસાદનું એક પણ ટીપું ન પડતાં ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. તાલુકામાં કુલ ૧૦,૦૭૫ હેક્ટરમાં કરાયેલા ખરીફ વાવેતર સામે હાલ પાણીની ગંભીર કટોકટી ઊભી થઈ છે. વરસાદ ખેંચાતા ખાસ કરીને ડાંગર અને મકાઈનો ઊભો પાક સુકાવાના આરે પહોંચ્યો છે.

જેથી ખેડૂતો દ્વારા વિરપુરમાંથી પસાર થતી સુજલામ-સુફલામ્ કેનાલમાં કડાણા ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગ ઉઠી છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા ખાતર, બિયારણ અને દવાનો મોટો ખર્ચ કરીને વાવણી કરી હતી.

તાલુકામાં ૨૮૫૮ હે.માં ઘાસચારો, ૨૫૮૯ હે.માં મકાઈ, ૧૨૨૫ હે.માં સોયાબીન, ૧૧૯૦ હે.માં ડાંગર, ૯૬૦ હે.માં શાકભાજી, ૬૦૧ હે.માં કપાસ, ૩૫૪ હે.માં તુવેર, ૨૩૪ હે.માં દિવેલા અને ૬૪ હે.માં મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે.

લાંબા સમયથી વરસાદની ખેંચના કારણે ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે. જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો આસપાસના સીમ વિસ્તારના ખેતરોને સિંચાઈનું પાણી મળી રહે અને બળી રહેલા પાકને નવજીવન આપી શકાય તેમ છે. તંત્ર દ્વારા વહેલી તકે કડાણા ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી ખેડુતોની પ્રબળ માગ ઉઠી છે.

કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે છેલ્લા એક માસથી વરસાદ નથી. ડાંગર અને મકાઈનો પાક સુકાઈ જવાના આરે છે. હવે વરસાદ કે સિંચાઈનું પાણી નહીં મળે તો મહેનત અને ખર્ચથી ઉભો કરેલો પાક બળી જશે. સુજલામ- સુફલામ્ કેનાલમાં તાત્કાલિક પાણી છોડેતો પાકને બચાવી શકાય. સરકાર ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઈ વહેલી તકે નિર્ણય કરે.:- શૈલેષભાઈ પટેલ, ખેડૂત…