મહિસાગર જિલ્લાના વિરપુર ગ્રામ પંચાયતે જાહેર માર્ગ અને ફુટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શ કરતા માનવ સેવા મંદિરથી વિરાજી સર્કલ સુધીના વિસ્તારમાં અંદાજે ૩૭ જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે. દુકાનોની આગળ બનાવવામાં આવેલા લોખંડ, પતરા અને પ્લાસ્ટિકના શેડ, છાપરા તેમજ ફુટપાથ પર ઉભી રાખવામાં આવતી લારીઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી પંચાયતે કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયુ છે કે, નોટિસ મળ્યાના ૭ દિવસમાં દબાણ સ્વખર્ચે દુર કરી તેની જાણ પંચાયતને કરવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં દબાણ દુર નહિ કરાય તો પંચાયત દ્વારા દબાણો હટાવી તેનો સમગ્ર ખર્ચ સંબંધિત દબાણકારો પાસેથી વસુલ કરવામાં આવશે. બીજી તરફ પંચાયતની આ કાર્યવાહી વચ્ચે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં એક અલગ જ ચર્ચાએ જોર પકડ્યુ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ કેટલાક લારી ધારકો અને વેપારીઓ પાસેથી .૧૦૦ની પાવતી આપી ફુટપાથ પર ધંધો કરવાની મંજુરી આપવામાં આવી હતી. તેવી ચર્ચાઓ હાલ ઉઠી રહી છે. જોકે આ અંગે ગ્રામ પંચાયત તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી. હાલ પંચાયતની કાર્યવાહીથી દબાણકારોમાં દોડધામ મચી જવા પામી છે. જયારે હવે ૭ દિવસ બાદ પંચાયત વાસ્તવમાં દબાણ દુર કરવાની કાર્યવાહી કરે છે કે નહિ તેના પર સોૈની મીટ મંડાઈ છે.