
તેજગઢ વિસ્તારના હરદાસપુરા ફળિયામાં એક અનોખી અને કુતૂહલજનક ઘટના સામે આવી છે. ગામના છત્રસિંહ રમણભાઈ રાઠવાના આશરે ૧૦-૧૨ વર્ષ જૂના બોરવેલમાંથી સામાન્ય ઠંડા પાણીના બદલે ગરમ પાણી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. છેલ્લા ચાર દિવસથી, પૂર્ણિમા તિથિ પછીથી, આ ઘટના શ થઈ હોવાનું ગામલોકોએ જણાવ્યું છે. લોકો મોટી સંખ્યામાં સ્થળ પર જોવા આવી રહ્યા છે.
બોરના માલિક છત્રસિંહભાઈ રાઠવાએ જણાવ્યું કે રાત્રે પાણી થોડા સમય માટે ગરમ રહે છે. પછી ઠંડું થઈ જાય છે. તેજગઢ ગામના તલાટી-કમ-મંત્રી ભરવાડ બાલુભાઈએ ઘટનાની સત્યતા સ્વીકારી છે. ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
છોટાઉદેપુર પાણી પુરવઠા વાસમો વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે. બોર તેમજ આજુબાજુના અન્ય બોરોમાંથી પાણીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. પાણીની ગુણવત્તા, તાપમાન, રાસાયણિક કે ખનિજીય અસામાન્યતા અંગેનો અહેવાલ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે.
નર્મદા લાઇનામેન્ટ નજીક હોવાના કારણે વૈજ્ઞાનિક તપાસ મહત્વની સામાન્ય રીતે ૫૦-૬૦ ફૂટ જેવી ઓછી ઊંડાઈએ આટલું ગરમ પાણી નીકળવું અસાધારણ માનવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય રીતે તેજગઢ વિસ્તાર નર્મદા લાઇનામેન્ટની નજીક આવે છે, જ્યાં ખડકોમાં તિરાડો દ્વારા ઊંડાણનું પાણી ઉપર આવવાની સંભાવના રહે છે.
જોકે, વાસમો વિભાગની ટીમે હાલ કોઈ કારણ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી અને લેબોરેટરી તપાસ બાદ જ હકીકત સામે આવશે તેમ જણાવ્યું છે. ગુજરાતમાં ઉનાઈ અને તુલસીશ્યામ જેવા ગરમ પાણીના સ્ત્રોત જાણીતા છે, પરંતુ તેજગઢ વિસ્તારમાં આવી ઘટના દુર્લભ હોવાથી સ્થાનિકોમાં કુતૂહલ સાથે ચિંતા પણ જોવા મળી રહી છે.