છોટાઉદેપુરનું કુંદનપુર તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકામાં આવેલું કુંદનપુર સિંચાઈ તળાવ ૧૦૦ ટકા ભરાઈ જતાં ઓવરફ્લો થયું છે. જીલ્લાનું આ સૌથી મોટું તળાવ તેની ભર સપાટી ૯૮.૦૦ ફૂટ સુધી પહોંચી ગયું છે, કારણ કે ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ છે.

તળાવ ઓવરફ્લો થતાં અને પાણીની આવક-નિકાસ વધતાં વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં કુંદનપુર, ચૂંધેલી, કડાછલા અને પાણેજ સહિતના ગામોનો સમાવેશ થાય છે.

તંત્રએ ખેડૂતો, પશુપાલકો અને રાહદારીઓને પટમાં, વહેણમાં કે કોતરોમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત, પોતાના ઢોર-ઢાંખરને નીચાણ વિસ્તારોમાં ન લઈ જવા અને સાવચેતી રાખવા માટે કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે.

ઉપરવાસ માંથી પાણીની આવક હજુ પણ ચાલુ હોવાથી, નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને તંત્ર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.