શહેરા તાલુકાના ઝોઝ ગામે ઘરમાં સામાન્ય કામકાજ કરી રહેલા ૬૦ વર્ષીય વૃદ્ધને અચાનક ઝેરી સાપે ડંખ મારતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અચાનક બનેલી ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શહેરા તાલુકાના ઝોઝ ગામના હોળી ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય રંગીતભાઈ ફતાભાઈ પગી પોતાના ઘરની અંદર દૈનિક કામકાજ કરી રહ્યા હતા. એ જ સમયે અચાનક ક્યાંકથી આવી ચડેલા ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. સાપ કરડવાની જાણ થતાં જ ઘરના સભ્યોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. ઘટના બનતા જ પરિવારજનોએ સમયસૂચકતા દાખવી ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચી રંગીતભાઈને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે ગોધરાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ રંગીતભાઈ પગીનું મોત નીપજ્યું હતું. વૃદ્ધના આકસ્મિક અવસાનથી હોળી ફળિયા અને ઝોઝ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા હતા.