
ચોમાસાના ભારે વરસાદ બાદ પંચમહાલ જીલ્લાના રસ્તાઓ પર વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગોધરા માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જીલ્લાના તમામ તાલુકાઓને જોડતા રસ્તાઓ પર ૧૦ વિશેષ ટીમો દ્વારા આધુનિક માઇક્રો-સરફેસિંગ સામગ્રી અને બેબી રોલરના ઉપયોગથી મજબૂત પેચવર્ક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માતો અટકાવવા રસ્તા પરથી કાંપ અને ઝાડી-ઝાંખરાં દૂર કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી.
તાજેતરમાં પંચમહાલ જીલ્લામાં થયેલા સાર્વત્રિક અને ભારે વરસાદને પગલે નાગરિકો તેમજ વાહનચાલકોની સલામતીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા રસ્તા મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ, ગોધરા દ્વારા વિવિધ તાલુકાઓને જોડતા રસ્તાઓ પર પડેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા માટે ૧૦ જેટલી વિશેષ ટીમોને સતત કાર્યરત કરવામાં આવી હતી.જીલ્લાના માર્ગોને ટકાઉ અને મજબૂત બનાવવા માટે લાંબા ગાળા સુધી ટકી રહે તેવી ઉચ્ચ ગુણવત્તાયુક્ત માઇક્રો-સરફેસિંગ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેબી રોલર વડે યોગ્ય કમ્પેક્શન આપીને વિશિષ્ટ પેચવર્ક કામગીરી હાથ ધરાઈ છે, જેથી રસ્તાઓ ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્વવત થઈ શકે તેમજ ગોધરા શહેર તરફ આવતા તમામ મુખ્ય રસ્તાઓ, હાલોલ-ગોધરા-લુણાવાડા માર્ગ તેમજ પાવાગઢ અને જાંબુઘોડા જેવા અત્યંત વ્યસ્ત પ્રવાસન તથા વાણિજ્યિક માર્ગો પર મરામતની કામગીરી પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે મોટરેબલ બનાવવામાં આવ્યા હતા.વાહનચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા વરસાદી પાણી સાથે રસ્તા પર ઘસડાઈ આવેલા કાંપને સાફ કરવામાં આવ્યો છે,વળાંકો પર સામેથી આવતા વાહનો સ્પષ્ટ જોઈ શકાય તે માટે રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલાં ઝાડી-ઝાંખરાં પણ દૂર કરવામાં આવ્યા હતા.જીલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સમગ્ર ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવા સાથે વરસાદથી અસરગ્રસ્ત તમામ માર્ગોને તાત્કાલિક ધોરણે પુન: કાર્યરત કરવા વિભાગ કટિબદ્ધ છે.