શહેરાના સાજીવાવ ગામના માઈ ભકતો રથ સાથે પાવાગઢ દર્શનાર્થે પગપાળા રવાના

શહેરામાં ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તાલુકાના સાજીવાવ ગામથી મોટી સંખ્યામાં માઈભક્તો શણગારેલા રથ સાથે શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે પગપાળા રવાના થયા હતા.

શહેરા તાલુકાના સાજીવાવ ગામના ગ્રામજનો અને માઈભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માઈભક્તો પરંપરાગત રીતે સુશોભિત રથ સાથે પગપાળા સંઘ પાવાગઢ શક્તિપીઠ જવા રવાના થયા હતા. ભક્તોએ માતાજીના રથને ફૂલોના હાર અને ધજા-પતાકાથી સુંદર રીતે શણગાર્યો હતો. સાથે સાઉન્ડ સિસ્ટમમાં માતાજીના ભક્તિમય ગરબા અને “જય મહાકાળી ના નાદ સાથે માઈભક્તો હાથમાં ધજા લઈને પાવાગઢ જવા નીકળ્યા હતા. આ પદયાત્રામાં યુવાનો, વડીલો અને મહિલાઓ માની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.હાલમાં ઉનાળાની શ‚આત સાથે ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ છતાં માઈભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી. સાજીવાવથી પાવાગઢ સુધીના પથ પર ભક્તો પગપાળા ચાલીને માં શક્તિના દર્શન કરવા જઈ રહ્યા છે. રસ્તામાં આવતા અન્ય ગ્રામજનોએ પણ રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ઉલ્લેખનીય છે કે, વર્ષ દરમિયાન આવતી નવરાત્રીઓમાં ચૈત્રી નવરાત્રીનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટું મહત્વ છે. સાજીવાવના ભક્તો દર વર્ષે આ રીતે સંઘ લઈને પાવાગઢ જાય છે અને માતાજી પાસે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. આ પદયાત્રા આગામી દિવસોમાં પાવાગઢ ડુંગર પર પહોંચી મહાકાળી માતાજી દર્શન કરીને શિખર પર ધજા ચઢાવીને દર્શન સાજીવાવ ગામ માટે શહેરા તાલુકાની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરશે…