શહેરા નગરપાલિકાની ઘોર બેદરકારી : અનેક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓ ‘ગુમ’, નગરજનોમાં રોષ

શહેરા નગરના મુખ્ય વિસ્તાર ગણાતા અણીયાદ ચોકડી તેમજ શાન્તા કુંજ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીઓ નિયમિત આવતી નથી. અગાઉ દરરોજ આવતી આ ગાડીઓ હવે અચાનક ’અદ્રશ્ય’ થઈ જતા ગૃહિણીઓ અને વેપારીઓ માટે કચરાનો નિકાલ કરવો એ એક મોટો પ્રશ્ન બની ગયો છે. કચરો લેવા ગાડી ન આવતા નગરજનો માં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે.

શહેરા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સફાઈ વ્યવસ્થા સાવ ખોરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા સ્વચ્છતા પાછળ લાખો ‚પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં, અણીયાદ ચોકડી સહિતના અનેક રહેણાંક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીઓ અનિયમિત થઈ જતા હોવાની બૂમો ઉઠી રહી છે

રાજ્ય સરકાર દ્વારા ‘નિર્મળ ગુજરાત’ અને ’સ્વચ્છતા અભિયાન’ પાછળ કરોડો ‚પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,પરંતુ શહેરા નગરમાં આ અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. શહેરા નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીમાં ભારે અનિયમિતતા દાખવવામાં આવતા નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.નગરના મુખ્ય વિસ્તાર ગણાતા અણીયાદ ચોકડી તેમજ શાન્તા કુંજ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીઓ નિયમિત આવતી નથી.કચરો ફેંકવા માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી નગરજનો મૂંઝવણમાં મુકાયા છે કે આખરે આ કચરો નાખવો ક્યાં? જેથી ગૃહિણીઓ માટે કચરાનો નિકાલ કરવો એ એક મોટો પ્રશ્ન બની ગયો છે. કચરો લેવા ગાડી ન આવતા લોકોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે. નગરના શાન્તા કુંજ સહિતના વિસ્તારોમાં તો સ્થિતિ એવી છે કે, કચરાની ગાડીઓ ક્યારે આવે છે અને ક્યારે ગાયબ થઈ જાય છે તેનો કોઈ પત્તો જ હોતો નથી. નગરપાલિકામાં સરકાર દ્વારા સફાઈ અને સુવિધા માટે વિવિધ ગ્રાન્ટોની લહાણી કરવામાં આવે છે. પરંતુ, શહેરા નગરમાં પ્રાથમિક સુવિધા જેવી કે કચરાનો નિકાલ પણ યોગ્ય રીતે થતો નથી. નગરમાં ચર્ચાઈ રહ્યું છે કે, શું આ ગ્રાન્ટનો ઉપયોગ નિયમ મુજબ થઈ રહ્યો છે કે કેમ? એક તરફ ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે. નગર વિસ્તારમાં વધતી જતી નગરજનોની અનેક સમસ્યા વચ્ચે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરના વિવિધ વિસ્તારોની ‚બ‚ મુલાકાત લેવા માટે શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હોય તેવું તો નથી કે શું ? જો પાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓ નિયમિત રીતે દોડાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ પણ નગરજનો સેવી રહ્યા છે. પાલિકા દ્વારા નગરજનોને પૂરતી સુવિધા મળે તેવા પ્રયાસો કરવાને બદલે નગરજનોને હાલાકીમાં મૂકવામાં આવી રહી હોવાથી પાલિકા તંત્રની કાર્યશૈલી સામે અનેક સવાલો ઊભા થયા છે. નગર વિસ્તારમાં દિન-પ્રતિદિન વધતી સમસ્યાઓ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, જે અત્યંત શરમજનક બાબત છે.જો તાત્કાલિક ધોરણે ડોર-ટુ-ડોર ગાડીઓની વ્યવસ્થા સુધારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પાલિકાની કચેરીએ જાગૃત નાગરિકોનો મોરચો મંડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગ્રાન્ટના વહીવટમાં ‘મોટો ખેલ’ હોવાની આશંકા?

સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરા પાલિકામાં સરકારની વિવિધ ગ્રાન્ટોનો ધોધ વહે છે. ગાડીઓના ડિઝલ, મેન્ટેનન્સ અને સફાઈ કામદારોના નામે લાખો ‚પિયાનો ધુમાડો કરવામાં આવે છે. ત્યારે નગરમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, જો ગાડીઓ નિયમિત આવતી જ નથી, તો આ ગ્રાન્ટના નાણાંનો ઉપયોગ કયા નિયમ મુજબ થઈ રહ્યો છે? શું આ ગ્રાન્ટનો સદુપયોગ થાય છે કે, પછી કાગળ પર ઘોડા દોડાવીને નાણાં સગેવગે કરવામાં આવે છે ? આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ પણ ઉઠી રહી છે.