શહેરાના કેશવ મેદાન પાસે આવેલી સોસાયટીના રહીશો પીવાના પાણી માટે વલખાં મારવા મજબૂર…
કેશવ મેદાન પાસે આવેલી સોસાયટીમાં પીવાના પાણીની લાઇન જ ન હોવાથી પાણી સમસ્યાથી રહીશો પરેશાન.
શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં કેશવ મેદાન પાસે આવેલી સોસાયટીના રહીશો આજે પણ ૨૧મી સદીમાં પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન ન હોવાને કારણે સ્થાનિક રહીશોને પાણી ભરવા માટે દૂર-દૂર સુધી ભટકવું પડી રહ્યું છે. પાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને આ પોકાર સંભળાતી નથી, જેને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.
શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં કેશવ મેદાન પાસે આવેલી આ સોસાયટીમાં વર્ષોથી લોકો વસવાટ કરે છે, પ્રાથમિક સુવિધા સમાન પીવાનું પાણી મેળવવા માટે સ્થાનિક રહીશોને રોજિંદા ધોરણે ભારે હાલાકી ભોગવવી પડે છે. સોસાયટીમાં પાણીની લાઇન ન હોવાથી સ્થાનિક રહીશોને દૂર આવેલા અન્ય વિસ્તારમાં પાણી ભરવા માટે જવું પડે છે. પાણી લાવવા પાછળ જ લોકોનો કિંમતી સમય અને શક્તિ વેડફાઈ રહ્યા છે, જેના કારણે રોજિંદા કામકાજ પર પણ માઠી અસર પડી રહી છે. આ ગંભીર પીવાના પાણીની સમસ્યા અંગે સોસાયટીના અગ્રણીઓ અને રહીશો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ નથી,આ વિસ્તારના જાગૃત નાગરિકોનું કહેવું છે કે, જો નગરપાલિકા તંત્ર દ્વારા કેશવ મેદાન પાસેની સોસાયટીમાં વહેલી તકે પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવે, તો જ આ કાયમી સમસ્યાનો અંત આવી શકે તેમ છે.ઉલ્લેખનીય છે કે, આ સોસાયટી નગરના એક મહત્વના વિસ્તારમાં આવેલી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેની આ પ્રકારે ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. નગરના પાયાના વિસ્તારમાં જ જો આવી પરિસ્થિતિ હોય, તો અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ શું હશે તે કલ્પના કરવી જ રહી. અહીંના રહીશોની આ વાજબી માંગણી સામે આંખ આડા કાન કરનાર પાલિકા પ્રશાસન આખરે આ ગંભીર સમસ્યા ક્યારે હલ કરશે? શું સોસાયટીના રહીશોને તેમના હકનું પીવાનું પાણી મેળવવા માટે હજુ કેટલા સમય સુધી વલખાં મારવા પડશે? તેવા અનેક સવાલો અત્યારે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે.