શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરાના ટ્રેક્ટરથી રહીશો પરેશાન : પાલિકા સામે સ્થાનિકોમાં ભારે નારાજગી

શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ અણીયાદ ચોકડી અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી ‘ડોર-ટુ-ડોર’ કચરા સંગ્રહની કામગીરી હાલ વિવાદના વટોળે ચડી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં સુકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે નાની કચરા ગાડીઓને બદલે ઊંચા ટ્રેક્ટર મોકલવામાં આવી રહ્યા છે, જેના કારણે દરરોજ સવારે સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પાલિકા દ્વારા ચલાવવામાં આવતી ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે. વિસ્તારમાં કચરો એકત્રિત કરવા માટે ખાસ ગાડીઓને બદલે ટ્રેક્ટર મોકલવામાં આવતું હોવાથી દરરોજ રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રેક્ટરની ટ્રોલીની ઊંચાઈ વધારે હોવાના કારણે ખાસ કરીને મહિલાઓને કચરો નાખતી વખતે ભારે તકલીફ પડે છે. કચરો નાખવા માટે ઊંચા થવું પડતું હોવાથી કેટલીકવાર મહિલાઓ પર જ કચરો પાછો પડતો હોવાના દ્રશ્યો અહીં અવારનવાર સર્જાય છે, જેના કારણે આરોગ્ય અને સ્વચ્છતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.પાલિકા પાસે સુકો અને ભીનો કચરો અલગ-અલગ લેવા માટેની આધુનિક ગાડીઓ ઉપલબ્ધ હોવા છતાં, અણીયાદ ચોકડી વિસ્તારમાં શા માટે ટ્રેક્ટરનો જ ઉપયોગ કરવામાં આવે છે? નગરપાલિકા પાસે યોગ્ય સાધનો અને કચરા ગાડીઓ હોવા છતાં તેનો ઉપયોગ ન કરી ટ્રેક્ટર દ્વારા કામગીરી ચલાવવામાં આવતાં આ વિસ્તારના રહીશોમાં પાલિકા તંત્રની બિનકાળજી સામે રોષ વ્યાપી ગયો છે. નિયમ મુજબ સુકો અને ભીનો કચરો અલગ-અલગ એકત્ર કરવાનો હોય છે, પરંતુ ટ્રેક્ટરમાં તમામ કચરો એકસાથે ઠાલવી દેવામાં આવતો હોવાથી કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિનો પણ ખુલ્લેઆમ અનાદર થઈ રહ્યો છે. ખુલ્લા ટ્રેક્ટરમાં કચરો લઈ જતી વખતે રસ્તા પર પણ ગંદકી વેરાય છે, ચોમાસા કે ગરમીની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતત તોળાતો રહે છે.સ્થાનિકોએ વહેલી તકે ટ્રેક્ટર બંધ કરી યોગ્ય કચરા ગાડી શ‚ કરવાની માંગ કરી રહ્યા હતા.