બોગસ આદિવાસીના દાખલાના પ્રકરણમાં સંતરામપુર તાલુકાના સાંંઢપાડિયા ગ્રામ પંચાયતના સરપંચ સામે એસ.ટી.(આદિવાસી)નો અને ઓ.બી.સી.(બક્ષીપંચ)એમ બે અલગ અલગ જાતિના દાખલા હોવાનુ અને આદિવાસીનો દાખલો બોગસ હોવાનુ પુરવાર થતાં અન્ય વ્યક્તિઓ પાસે આદિવાસીનો બોગસ દાખલા છે કે કેમ…? તેની તપાસ કરી બોગસ દાખલા મેળવનાર સામે ફોજદારી ગુનો નોંધાવી બોગસ સર્ટિ.રદ્દ કરવાનો હુકમ સંયુકત કમિશનર વિભાગ્ય વિશેષણ સમિતિ વડોદરાએ કર્યો છે.
સાંઢપાડિયાના પાદરીયા કૃણાલ કોયાભાઈ ઓબીસીના દાખલાના કારણે સરપંચ છે. તેઓએ એસ.ટી.(આદિવાસી)નો દાખલો પણ મેળવેલો છે. સંતરામપુર અને કડાણા તાલુકામાં બિનઆદિવાસીઓ આદિવાસીના દાખલા મેળવીને રાજકિય તેમજ નોકરીમાં લાભ મેળવતા હોય મુળ આદિવાસીઓમાં વિરોધ જોવા મળે છે. જેને લઈને સામાજિક એક્ટિવિટ્સ સોમાભાઇ અરજણભાઈ ગુવાલિયા તેમજ અણકુમાર છગનભાઈ ચોૈધરીએ વિભાગ્ય વિશેષણ સમિતિ, વડોદરા ખાતે ફરિયાદો કરી હતી. જે સમિતિ દ્વારા ઉમેદવારનુ જાતિનુ પ્રમાણપત્ર, ઉમેદવારની જાતિ ખરાઈનુ પ્રમાણપત્ર, ઉમેદવારનો શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, ધો.-૧ નો વયપત્રનો ઉતારો, તેમના દાદા પાદરીયા સાંકળભાઈ નાથાભાઈઓ અભણનો દાખલો, જમીનનો રેકોર્ડ સહિતના પુરાવા રજુ કર્યા હતા. પરંતુ ઉમેદવાર ખુટતા પુરાવા રજુ કરી શકયા ન હતા. તેમજ બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો રજુ કરેલ જેમાંનુ એક સામાજિક અને પછાતવર્ગો માટેનુ તેમજ બીજી અનુસુચિત જનજાતિનુ હતુ. પાદરીયા જાતિ અનુસુચિત જનજાતિ યાદીમાં સમાવેશ જાતિ નથી. જેથી કૃણાલ પાદરીયા અનુસુચિત જનજાતિના નહિ હોવાનુ પ્રસ્થાપિત થતા, તે પ્રમાણપત્ર વીજિલન્સ સેલે રદ્દ કરવાની ભલામણ કરી હતી. સંયુકત કમિશનર વિભાગીય વિશેષણ સમિતિ વડોદરાએ આદિવાસીનુ બોગસ પ્રમાણપત્ર મેળવનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા ટીડીઓ ને અધિકૃત કરતા વહીવટી અને રાજકિય મોરચે ચકચાર મચી ગઈ છે.