કાલોલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો પહેલો કેસ નોંધાયો

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા વિસ્તારમાં ગત રવિવારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ભોગ બનેલા બે બાળકોના કિસ્સામાં એક બાળકના મોત બાદ બંને બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની આરોગ્ય વિભાગે પૃષ્ટિ કરી હતી. જે બાદ ગતરોજ કાલોલના ગોળીબાર વિસ્તારમાં એક બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર હેઠળ ખસેડાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત અઠવાડિયે કાલોલ તાલુકાના ધોડા ગામના બાળક આશિષ ગુલાબ નાયકનુ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જયારે તાલુકાના મધવાસની મુવાડી ગામમાં ત્રણ વર્ષિય બાળક રિયાંશ શૈલેન્દ્રસિંહ પ્રસાદની હાલત સ્ટેબલ હોવાનુ જાણવા મળ્યુ હતુ. જોકે આ બંને બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. દરમિયાન ગતરોજ કાલોલના ગોળીબાર ફળિયામાં રહેતા ૫રિવારની ૨૦ મહિનાની બાળકી તાવમાં પટકાતા હાલ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. કાલોલ આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસર ડો.મિનેશ દોશીને સત્વરે વિવિધ ટીમો બનાવી અસરગ્રસ્ત શહેરના ગોળીબાર વિસ્તારમાં સર્વે તેમજ સેમ્પલ લેવાની કામગીરી સાથે જંતુનાશક દવા છાંટવાની તેમજ સ્પ્રેઈંગ કરવાની કામગીરી હાથ ધરી હતી.