
દાહોદનો જૈન સમાજ હંમેશા ભાજપના પડખે રહ્યો હોવા છતાં નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક મતદાન મથક પર જાહેરમાં જૈન સમાજ અંગે, આ સમાજના લોકો હિન્દુ નથી તેવું અનિંદનીય અને અપમાનજનક શબ્દો બોલી સમસ્ત જૈન સમાજની લાગણીને ઠેસ પહોંચાડનાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર દાહોદ જૈન સમાજ દ્વારા દાહોદના ધારાસભ્ય કનેયાલાલ કિશોરીને આપતા દાહોદમાં ફરીવાર રાજકીય માહોલ ગરમાયો છે.
દાહોદમાં નગરપાલિકાની ચૂંટણીના દિવસે એક મતદાન મથક પર, જૈન સમાજ ના લોકો હિન્દુ નથી. તેવા જૈન સમાજ અંગે અનિંદનીય અપમાનજનક અને અસલ શબ્દો પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે બોલી જૈન સમાજની લાગણીને ઠેસ પહોંચાડી સંસ્કારી સમાજનું અપમાન કરતા મામલો ગરમાયો હતો અને તેની સીધે સીધી અસર નગરપાલિકાના મતદાન પર પડી હતી. સમગ્ર સંસ્કારી સમાજને અપમાનિત કરતા આવા અપમાનજનક શબ્દોથી દાહોદ શહેર સહિત સમગ્ર વિસ્તારમાં રહેતા જૈન સમાજના લોકોમાં ભારે આક્રોશ અને અસંતોષ ફેલાયો છે. અને જૈન સમાજના લોકોએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ આવા લોકો સામે કાર્યવાહી ના થાય તો સમાજમાં ખોટો સંદેશ જશે તેમ માની પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ વિદ્ધ તાત્કાલિક શિસ્ત ભંગની કાર્યવાહી કરી પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી સ્પષ્ટ અને દૃઢ માગણી સાથેનું એક આવેદનપત્ર દાહોદ જૈન સમાજ દ્વારા દાહોદના ધારાસભ્યો કનેયાલ કિશોરી આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રની એક એક નકલ દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ઘરીયા, પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જીલ્લા પ્રભારી રાજેન્દ્ર પટેલ તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને ટપાલ દ્વારા રવાના કરી છે.