સંખેડા તાલુકાના કાળી તલાવડી ગામની નવી નગરીમાં છેલ્લા એક મહિનાથી ગંદુ ડહોળુ અને દુર્ગંધયુકત પાણી વિતરણ થાય છે. પરિણામે આ ગામના લોકો પાણી બહારથી ખરીદવા અથવા તો બીજા ગામમાં ભરવા જવા મજબુર બન્યા છે.
છેલ્લા એક મહિનાથી ડહોળા પાણીના વપરાશને કારણે ચામડીના રોગના કેસ નોંધાયા છે. અત્યાર સુધી સુતેલુ તંત્ર જાગ્યુ છે. અને પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા છે. આ વિસ્તારમાં પાણીની લાઈન અને ગટરની જુની લાઈન અનેક જગ્યાએથી જર્જરિત અને તુટી જવા પામી છે. જેને કારણે ગટર અને વિતરણ થતું પાણી ભળી જાય છે. કાળી તલાવડી ગામની વસ્તી અંદાજિત ૮૦૦ છે. જયારે નવી નગરી વિસ્તારમાં ૧૨૬ થી વધુ લોકો રહે છે. વેરો ભરાતો હોવા છતાં ગામના લોકોને પાણી બહારથી ખરીદવુ પડે છે. અથવા તો એક થી બે કિ.મી.ચાલીને બીજા ગામે ભરવા જવુ પડે છે. જે લોકોને મજબુરીમાં ગંદુ પાણી વાપરે છે તેમને શરીરે ખંજવાળ, ખરજવુ સહિત ચામડીના રોગો શ થયા છે. ગ્રામજનોની માંગ છે કે, પાણી અને ગટરની લાઈન રિપેરીંગ કરવામાં આવે, તુટેલી લાઈન નવી નાંખવામાં આવે તેમજ પાણી વિતરણ માટે કામ ચલાઉ વ્યવથા ઉભી કરવામાં આવે. જો યોગ્ય નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.