છોટાઉદેપુર જિલ્લો બન્યા બાદ આજદિન સુધી ફ્રુડ એન્ડ ડ્રગ્સની કચેરી ફળવાઈ નથી

છોટાઉદેપુર જિલ્લો બને ૧૩ વર્ષનો ઉપરાંત સમય થયો છે. જેમાં ૭ તાલુકામાં આશરે ૧૦ લાખની વસ્તી છે. તેમ છતાં રાજય સરકારે છોટાઉદેપુર જિલ્લાને આજદિન સુધી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની અલાયદી કચેરી ફાળવી નથી. છોટાઉદેપુર જિલ્લામાં ૩૦૦થી વધુ હોટલો આવેલી છે. અલગ અલગ દિવસે તાલુકા મથકો ઉપર હાટ બજારો ભરાય છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સી વિભાગે મીઠાઈ, ફરસાણ, તેલ તેમજ ખાદ્ય પદાર્થો સહિત હોટલ દુકાનોની ચકાસણી કરવાની હોય છે.

જિલ્લામાં ચાલતી આદિજાતી વિભાગની રસીડેન્સી શાળા તેમજ છાત્રાલયોમાં ખોરાકની ચકાસણી કરવાની હોય છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા ખાણી-પીણી અને દવાઓની ગુણવત્તા તપાસવાની હોય છે.મેડિકલ સ્ટોર્સ, ફાર્માસ્યુટિકલ, અને હોમિયોપેથિક દવાઓના ઉત્પાદન માટે લાયસન્સ આપવાના હોય છે. હોટલ, રેસ્ટોરેન્ટ અને લારી-ગલ્લાઓ પર અચાનક તપાસ કરવી, નમુના લેવા તેમજ શંકાસ્પદ કે અખાદ્ય લાગતા ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઇને લેબમાં મોકલવા, અખાદ્ય જથ્થાનો નાશ કરવો, વાસી અથવા બગડેલો ખોરાક જપ્ત કરીને તેનો નાશ કરવો, દવાઓ અને તબીબી સાધનો સંબંધિત પરવાનગી આપવી, સહિતની કામગીરી કરવાની હોય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આજદિન સુધી ફ્રુડ એન્ડ ડ્રગ્સની કચેરી ન હોવાથી જિલ્લામાં અનેક ખાદ્ય પદાર્થોની દુકાનો તેમજ હોટલ સહિત ચકાસણી થતી નથી. આ કચેરી વડોદરા ખાતે હોવાથી અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં આવતા જ નથી. જેને લઈ આદિવાસી વિસ્તારોમાં લોકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાયા છે. હાલ લોકો સ્વાસ્થ્ય ચેડાં કરતી ચીજવસ્તુઓ ખાઈ રહ્યા છે. જો ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ચકાસણી કરી ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલો મોકલવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. આ સંજોગોમાં સરકાર છોટાઉદેપુર જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સની કચેરી ફાળવે તેવી માંગ ઉઠી છે.