છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામ નજીક કવાંટ, નસવાડી, છોટાઉદેપુરને જોડતા મુખ્ય માર્ગ પર પોચંબા પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનમાં લીકેજ સર્જાતા રિપેરીંગની કામગીરી હાથ ધરી હતી. જોકે કામગીરી બાદ કોન્ટ્રાકટર દ્વારા માર્ગની બાજુમાં ખોદવામાં આવેલો વિશાળ ખાડો ખુલ્લો જ છોડી દેવામાં આવતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય વ્યાપી જવા પામ્યો છે.
આ માર્ગ આર એન્ડ બી વિભાગ હેઠળનો અત્યંત વ્યસ્ત માર્ગ છે. દરરોજ હજારો વાહનો ઉપરાંત ભારે માલવાહક વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે. પાઈપલાઈનની મરામત માટે ખોદવામાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયુ છે. તેમ છતાં કામગીરી પુર્ણ કર્યા બાદ તેને તાત્કાલિક પુરાયો નથી. સ્થળ પર પુરતા સુરક્ષા બેરિકેડ, ચેતવણી બોર્ડ કે રિફલેકટર પણ જોવા મળતા નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો કોઈ વાહનચાલક સ્ટિયરીંગ પરથી નિયંત્રણ ગુમાવે તો વાહન સીધુ ખાડામાં ખાબકી શકે છે. અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. આ સ્થળ ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર હોવાથી ગ્રામજનો અને રાહદારીઓ માટે પણ જોખમ ઉભું થયુ છે.