
સાબરકાંઠા સહિત રાજ્યમાં દિન પ્રતિદિન વધતા સાયબર ગુનાઓ સામે સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. ગ્રામીણ વિસ્તારના ઓછી જાણકારી ધરાવનારા લોકોના બેન્ક એકાઉન્ટ ૧૦ હજાર જેટલી લાલચ આપી ભાડે લઇ અન્ય રાજ્યોના સાયબર ક્રાઇમથી ઉચાપત કરેલા નાણા ખંખેરવાનું સુનિયોજિત કૌભાંડનો પર્દાફાશ કરતા એક આરોપીની અટકાયત કરી છે જ્યારે બે શખ્સ સામે તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત જાઇએ તો જાદર પોલીસ સ્ટેશનના છજીં ભાવેશ રામજીભાઇને બાતમી મળી હતી કે શૈલેષ રાવલ જે વિરપુરનો રહેવાસી છે, તે પોતાની આસપાસના માણસોને વિશ્વાસમાં લઇ બેન્ક એકાઉન્ટની કીટ બનાવી તે એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર નાણાની હેરફેરમાં કરે છે.
આ બાતમીને આધારે શૈલેષ રાવલની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તે પોતે મિત્ર અજયસિંહ વિક્રમસિંહ ચંપાવત સાથે અમદાવાદના એક વ્યક્તિ સાથે મળીને બેન્ક એકાઉન્ટની કીટ મેળવતા હતા અને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવતા હતા. આ બેન્ક એકાઉન્ટ મેળવવા માટે જે વ્યક્તિ પાસેથી એકાઉન્ટ મેળવતા હતા તેમને ભાડા પેટે કેટલીક રકમ ચુકવવામાં આવતી હતી. શૈલેષ રાવલ પાસેથી ૫ ચેક, ૪ ડેબિટ કાર્ડ, ૬ સીમ કાર્ડ મળીને વિવિધ વસ્તુ મળી આવી છે.પોલીસ તપાસમાં આ બેન્ક એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન થયેલા છે તેમાંથી બે એકાઉન્ટમાં એક તમિલનાડુ અને એક મહારાષ્ટÙના કોલ્હાપુરથી સાયબર ક્રાઇમની અરજીઓ થયેલી છે, તે સાયબર ફ્રોડના નાણા જમા થયેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળેલ છે. આ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ જાદર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (૪), ૬૧ (૨), આઇટી એક્ટની કલમ ૬૬ સી, અને ૬૬ બી મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. પ્રાથમિક તપાસમાં હકીકત જણાઇ આવેલ છે કે આ આરોપીઓ વિવિધ વ્યક્તિઓ પાસેથી બેન્ક ખાતું ખોલાવવા માટે આધાર, પાન કાર્ડ જેવી વસ્તુ મેળવી કેટલીક એમાઉન્ટની લાલચ આપી એક્સેસ પોતે લઇ લેતા હતા.
આ ષડયંત્રમાં અન્ય લોકો પણ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી મળેલા વિવિધ મુદ્દામાલના આધારે કોર્ટમાં રજૂ કર્યો હતો અને બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.