ગીર સોમનાથ: ચૂંટણી પૂર્વે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત, ૧૫ ચેકપોસ્ટ સક્રિય, ૩૨૨ હથિયારો જમા

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સાવચેત થઈ ગયું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, જિલ્લામાં અવરજવર પર ચાંપતી નજર રાખવા માટે કુલ ૧૫ પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. આ ચેકપોસ્ટમાં ૩ આંતર રાજ્ય ચેકપોસ્ટ, ૫ આંતર જિલ્લા ચેકપોસ્ટ અને ૭ આંતરિક ચેક પોસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો પર આવતા-જતા વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ કોઈપણ પ્રકારની શંકાસ્પદ હલચલ કે પ્રવૃત્તિ પર પોલીસ તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

ગીર સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું “અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૦૪૯ વ્યક્તિઓ સામે નિવારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ, જિલ્લામાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ૪૦ હિસ્ટ્રીશીટરો પર પણ પોલીસની ખાસ ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પણ પોલીસની કાર્યવાહી તીવ્ર બની છે. પ્રોહિબિશન કાયદા હેઠળ જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૧ જેટલા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જુગાર પ્રવૃત્તિ સામે પણ ૩ જેટલા દરોડા પાડવામાં આવ્યા છે.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે અનેક સક્રિય પગલાં લીધા છે. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની આગોતરી તકેદારીના ભાગરૂપે જિલ્લામાં નોંધાયેલા કુલ ૪૩૩ પૈકી ૩૨૨ હથિયારો જમા કરાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી જનતામાં સુરક્ષાનો અનુભવ વધે.