૨૦૨૯ સુધીમાં ભારતમાં ચાર અવકાશ પ્રક્ષેપણ સ્થળો કાર્યરત થઈ જશે,ઇસરોના વડા

ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું છે કે ૨૦૨૯ સુધીમાં દેશમાં ચાર લોન્ચ પેડ કાર્યરત થઈ જશે, જે ભારતની અવકાશ-સંબંધિત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો કરશે. નારાયણને ઇસરોની ભવિષ્યની યોજનાઓની રૂપરેખા આપતા કહ્યું કે, ઉપગ્રહ પ્રક્ષેપણની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે, તમિલનાડુના તુતીકોરીન જિલ્લાના કુલશેખરપટ્ટીનમમાં ૨,૦૦૦ એકર જમીન પર નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન માટે એક અલગ સંકુલ વિકસાવવામાં આવશે.નારાયણને સ્પષ્ટતા કરી કે રાષ્ટય અવકાશ એજન્સી ઇસરોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં.

જાકે, તેમણે કહ્યું કે દેશ અને વિશ્વમાં હજારો ઉપગ્રહોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી જરૂરી છે.તેમણે એક ખાનગી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કહ્યું,ઇસરો સ્ટાર્ટઅપ્સ અને ખાનગી કંપનીઓને ટેકો આપશે અને તેમને અવકાશ ક્ષેત્રમાં વધતી જતી પ્રવૃત્તિને સંભાળવા માટે તકનીકી કુશળતા પ્રદાન કરશે, જે આર્થિક વિકાસને વેગ આપશે અને હાઇ-ટેક ક્ષેત્રોમાં હજારો નોકરીઓનું સર્જન કરશે.”

નારાયણને કહ્યું, “૨૦૨૯ સુધીમાં, ભારતમાં ચાર કાર્યરત પ્રક્ષેપણ સ્થળો હશે અને અવકાશ સંબંધિત પ્રવૃત્તિઓ નોંધપાત્ર રીતે વિસ્તરશે.” વાણિજ્યિક પ્રવૃત્તિઓ માટે ખાનગી ઉદ્યોગ સાથે ભાગીદારી પર નિર્ભરતા પણ વધશે.ઇસરોના વડાએ જણાવ્યું હતું કે કુલશેખરપટ્ટીનમમાં બનાવવામાં આવનાર અવકાશ પ્રક્ષેપણ કેન્દ્રમાં એવી ઇમારતો શામેલ હશે જ્યાં રોકેટ ઘટકો, સાધનો અને સિસ્ટમોને એસેમ્બલ કરવામાં આવશે અને લોન્ચ માટે તૈયાર કરવામાં આવશે. વધુમાં, તેમાં લોન્ચ પેડ, રેલ ટ્રેક અને ડેટા સંપાદન, દેખરેખ અને નિયંત્રણ માટે મહત્વપૂર્ણ સુવિધાઓનો સમાવેશ થશે.

જાકે, તેમણે અન્ય ત્રણ પ્રસ્તાવિત પ્રક્ષેપણ સ્થળો વિશે વિગતો આપી ન હતી.તેમણે જણાવ્યું હતું કે ઇસરો આગામી બે મહિનામાં ગગનયાન મિશનનું પ્રથમ માનવરહિત પરીક્ષણ કરવાની યોજના ધરાવે છે. આ પછી અવકાશયાત્રીઓને મોકલતા પહેલા બે વધુ માનવરહિત પરીક્ષણો કરવામાં આવશે.

નારાયણને કહ્યું, “આ પરીક્ષણો વાતાવરણીય નિયંત્રણ પ્રણાલી, સલામતી પ્રણાલીઓ, કટોકટી સ્થળાંતર પ્રણાલીઓ અને આંતરિક અવકાશયાન સુવિધાઓનું વિવિધ દબાણ, તાપમાન અને ભેજની પરિસ્થિતિઓ હેઠળ પરીક્ષણ કરશે.”તેમણે જણાવ્યું હતું કે ઇસરોએ ગગનયાન મિશન માટે લગભગ ૮,૦૦૦ ભૂમિ પ્રયોગો સફળતાપૂર્વક હાથ ધર્યા છે,

અને પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓ હાલમાં વિશેષ તાલીમ લઈ રહ્યા છે.ભવિષ્યની યોજનાઓ અંગે, નારાયણને જણાવ્યું કે ઇસરો જાપાની અવકાશ એજન્સી સાથે મળીને ચંદ્રયાન-૫ મિશનનું આયોજન કરી રહ્યું છે, જે હેઠળ ૧૦૦ દિવસ માટે પ્રયોગો કરવા માટે ૩૫૦ કિલોગ્રામના રોવરને ચંદ્રની સપાટી પર મોકલવામાં આવશે.