ખોરજ જમીન કૌભાંડમાં અપહરણની ફરિયાદ કરનાર મહિલાનો યુ-ટર્ન; જગદીશ ઠાકોરને છોડીને હવે પોલીસ પર સીધો ગંભીર આક્ષેપ

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર નજીક આવેલા ખોરજ ગામની કરોડોની વડીલોપાર્જિત જમીનનો વિવાદ હાલ ગુજરાતની રાજનીતિમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અંદાજે ૧૫૦ કરોડની કિંમત ધરાવતી સર્વે નંબર ૨૩૨ ની અઢી હેક્ટર જમીન પચાવી પાડવાના અને ખોટી ફરિયાદ નોંધાવવાના ગંભીર આક્ષેપો સાથે આ મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે.અગાઉ કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને રવિ ઠાકોર સામે પોતાના પતિના અપહરણની ફરિયાદ નોંધાવનાર કાજલબેન ઠાકોરે મીડિયા સમક્ષ હાજર થઈને ચોંકાવનારા દાવો કર્યા છે. કાજલબેનના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની મરજીથી કોઈ ફરિયાદ કરી નહોતી. મહિલા પોલીસની ગેરહાજરીમાં અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈ તથા અન્ય લોકો દ્વારા કાગળ પર લખાણ કરાવીને તેમની પાસે બળજબરીપૂર્વક સહીઓ કરાવવામાં આવી હતી.

કાજલબેને જણાવ્યું કે તેઓ જગદીશ ઠાકોરને ઓળખતા પણ નથી અને ક્્યારેય મળ્યા પણ નથી. પોલીસે અચાનક જગદીશ ઠાકોરનું નામ બોલવા અને વિડિયો બનાવવા માટે દબાણ કર્યું હતું. ખેડૂત પોપટજી ઠાકોર છેલ્લા બે મહિનાથી પોલીસના ડરથી ઘર છોડીને ભાગતા ફરી રહ્યા છે. દસ્તાવેજ પર સહી કરી આપો તો જ એફઆઇઆર પરત ખેંચાશે તેવી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે.આ કેસમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વકીલ આનંદ યાજ્ઞિક પીડિત ઠાકોર પરિવાર સાથે મીડિયા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા. જિગ્નેશ મેવાણી અને આનંદ યાજ્ઞિકે આરોપ લગાવ્યો કે ગાંધીનગર રેન્જ આઇજી વીરેન્દ્ર યાદવે જમીનની પ્રક્રિયા આગળ વધારવા માટે ૧૦ ટકા એટલે કે ૧૧ કરોડની માંગણી કરી હતી. સૂચના મુજબ અડાલજ પીઆઇને ૭૦ લાખ ચૂકવવામાં પણ આવ્યા હતા, પરંતુ આગળનું પેમેન્ટ અટકી જતાં પોલીસ પરિવાર પાછળ પડી ગઈ હતી.

આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે કાયદો જાળવવાને બદલે પોલીસ કટકી માંગવામાં રસ દાખવી રહી છે. તેમણે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે અડાલજ પીઆઇ,એલસીબી અને આઇજી વીરેન્દ્ર યાદવને તુરંત સસ્પેન્ડ કરી તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જા રાજ્ય સરકાર અને પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આ ભ્રષ્ટાચાર અને ષડયંત્ર સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને કાનૂની લડાઈ લડવામાં આવશે.ખોરજની આ કિંમતી જમીન લક્ષ્મીબેનના ત્રણ વારસદારો (શારદાબેન, મંગુબેન અને વિષ્ણુભાઈ) વચ્ચે ૩૩ ટકા ભાગીદારી ધરાવે છે.

૩૩ ટકા ભાગીદાર સુહાગ ઉર્ફે લાલો અને તેમના પિતાને પણ વર્દી વગર આવેલા પોલીસ કર્મચારીઓ ઉપાડી ગયા હતા અને વિડિયો ડિલીટ કરાવી જમીન બાબતે વાત ન કરવાની ધમકી આપી છોડી મૂકાયા હોવાનો દાવો કરાયો છે. કડી અને કલોલના જમીન દલાલો (હરિ ગોહિલ અને રતિલાલ પટેલ) પોલીસ સાથે મળીને આ કરોડોની જમીન પોતાના નામે કરાવવા અથવા સસ્તા ભાવે પડાવી લેવા માટે ઠાકોર પરિવાર પર સતત માનસિક અને શારીરિક દબાણ બનાવી રહ્યા છે. આ કેસમાં પીડિત પરિવારે ન્યાય માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી દર્શાવી છે.