બાલાસિનોર સ્થિત નવગુજરાત સાયન્સ કોલેજ ખાતે ભારતીય સેનાની અગ્નિવીર યોજના હેઠળ પસંદગી પામેલા કોલેજના વિદ્યાર્થી યોગેશ ચૌહાણનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ શેખ, આચાર્ય ડો. એન. આર. ચૌહાણ તથા કેમ્પસ ડિરેક્ટર ડો. ડી. પી. માછી સાહેબના હસ્તે યોગેશ ચૌહાણને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે, અગ્નિવીર તરીકે દેશસેવાનો અવસર પ્રાપ્ત કરનાર યુવાનો સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે. યોગેશ ચૌહાણની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓમાં પણ રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને દેશસેવાની ભાવના વધુ મજબૂત બનાવશે.
કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સન્માન કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના પ્રાધ્યાપક વિમલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સમગ્ર નવગુજરાત સાયન્સ કોલેજ પરિવાર દ્વારા યોગેશ ચૌહાણને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.