નસવાડી તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલ જર્જરિત પાણીની ટાંકી દુર્ધટના પહેલા ઉતારી લેવાય તે જરૂરી

નસવાડી તાલુકા પંચાયતના કેમ્પસમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત હોવાનુ ગ્રામ પંચાયતે બોર્ડ માર્યુ છે. પરંતુ છેલ્લા એક વર્ષથી આ ટાંકી ઉતારવા માટે ગ્રામ પંચાયતના સત્તાધિશો કોઈ કામગીરી કરતા નથી.

નસવાડી તાલુકા પંચાયતમાં ૨૧૦ ગામોમાંથી લોકો કામ અર્થે આવે છે. તાલુકા પંચાયતના કેમ્પસમાં પાણીની ટાંકી આવેલી છે. આ ટાંકીના પોપડા છેલ્લા એક વર્ષથી પડી રહ્યા છે. તેમજ તેના પિલ્લરોમાં મોટી તિરાડો પડેલી જોવા મળી રહી છે. આ ટાંકી એક વર્ષ ઉપરાંતથી જર્જરિત હોવા છતાંય નસવાડી જુથ ગ્રામ પંચાયતે આ ટાંકી ઉતારવા માટે કોઈ કાર્યવાહી કરી નથી. હાલ તો તાલુકા પંચાયતના કેમ્પસમાં આ જર્જરિત ટાંકી તુટે તો કેટલાય લોકોના જીવ જાય તેમ છે. પરંતુ આવા બોર્ડ મારીને ગ્રામ પંચાયત શુ સિદ્ધ કરવા માંગે છે. હાલ થોડા દિવસ પહેલા જ મોટુ વૃક્ષ કેમ્પસમાં ધરાશાઈ થયુ હતુ. જેને લઈ ગ્રામ પંચાયતના સત્તાધિશોએ જવાબદારી પોતાના માથે ન આવે તે માટે છટકવા બોર્ડ મારી દીધા છે. ત્યારે ટાંકી ધરાશાઈ થાય ત્યારે કોઈનો ભોગ લેવાય તો જવાબદાર કોણ…?તેવા પ્રશ્ર્નો ઉભા થયા છે.