મહિસાગરના તલાટીઓને મહેસુલી સહિત અન્ય વિભાગોનીતમામ કામગીરીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી

મહિસાગર જિલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા મહેસુલ વિભાગ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ સિવાયના અન્ય તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજય તલાટી મંત્ર મહામંડળ દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે, મહિસાગર જિલ્લા તલાટી મંડળે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે વિધિવત જાણ કરી દીધી છે.

મહિસાગર જિલ્લાના તલાટીઓ પર પંચાયત સિવાયના અન્ય વિભાગોની કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે. જેના કારણે ગ્રામિણ સ્તરે અને પંચાયત અને ગ્રામ વિકાસની મુળભુત કામગીરી પર પ્રતિકુળ અસર પડી રહી છે. વર્ષ-૨૦૨૨માં થયેલા સમાધાન મુજબ મહેસુલી તલાટી અને પંચાયત તલાટીના જોબકાર્ડ અલગ કરવા માટે સરકાર દ્વારા સમિતિની રચના કરી હતી. પરંતુ સાડા ત્રણ વર્ષ જેટલો સમય વિતવા છતાં આ બાબતે કોઈ નકકર નિરાકરણ આવ્યુ નથી. વારંવારની રજુઆતો છતાં જોબચાર્ટ નકકી ન થતાં આખરે મંડળે પંચાયત સિવાયની તમામ કામગીરીનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયના અમલીકરણ માટે મહિસાગર જિલ્લાના તમામ તાલુકા મંડળોને સુચના આપી દેવામાં આવી છે. જયાં સુધી સરકાર દ્વારા જોબચાર્ટ અંગે કોઈ નવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી આદેશનુ ચુસ્તપણે પાલન કરાશે.