નસવાડીના માથાઝુલધની પ્રા.શાળાના જર્જરિત ઓરડાના કારણે બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબુર

નસવાડી તાલુકાના માથાઝુલધની પ્રા.શાળાના જર્જરિત ઓરડાના કારણે બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. આ ગામ નસવાડી તાલુકાના છેવાડે આવેલુ છે. જયારે આશરે ૩૦૦ લોકોની વસ્તીમાં આદિવાસી સમાજના લોકો રહે છે. આ ગામમાં ધો.-૧ થી ૫ સુધીની પ્રા.શાળામાં ૨૩ જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળાના ઓરડાની દિવાલો જર્જરિત હોવાથી અને છતમાંથી પાણી ટપકતુ હોવાથી શાળામાં અભ્યાસ કરવો અશકય બનતા બાળકોને કયાં બેસાડવા તે એક પ્રશ્ર્ન ઉભો થયો છે. જેના કારણે બાળકોને અંદર બેસાડવા અત્યંત જોખમી બનતા બાળકોને હાલ શાળાના મેદાનમાં બેસાડીને અભયાસ કરાવવાનુ શ‚ કર્યુ છે.

આ પરિસ્થિતિ તંત્ર દ્વારા આદિવાસી બાળકોને પ્રા.શાળાની મુળભુત સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળતા દર્શાવે છે. જેને લઈ આદિવાસી સમાજના આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યના પતિએ આ મામલાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉજાગર કર્યો છે. અને તંત્રને બેદરકારી પર સાવલો ઉઠાવ્યા છે. તેઓ મુજબ આદિવાસી વિસ્તારમાં વર્ષોથી પ્રા.શાળઓના ઓરડા બનાવવામાં તંત્ર નિષ્ફળ નીવડયુ છે. અને માથાઝુલધની શાળાની હાલત તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલા લેવાની અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ સુનિશ્ર્ચિત કરવાની તાતી જ‚ર છે. હાલ તો આદિવાસી બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે.