મહિસાગર જિલ્લામાં રેવન્યુ અને પંચાયત તલાટીની લડાઈમાં પ્રજા પીસાઇ રહી છે

-પેઢીનામું ન બનાવતા વારસાઈ અને વિદ્યાર્થીઓના દાખલા અટક્યા

મહિસાગર જિલ્લામાં હાલ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રી વચ્ચે ચાલી રહેલી કામગીરીની ખેંચતાણને કારણે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પરિવારમાં પિતા કે વડીલના મૃત્યુ બાદ જમીન તેમજ સ્થાવર મિલ્કતમાં વારસદારોના નામ દાખલ કરવા માટે અત્યંત મહત્વપુર્ણ એવુ પેઢીનામું મેળવવા માટે અરજદારોને એક કચેરીથી બીજી કચેરીએ ખો ખાવાનો વારો આવ્યો છે.

રેવન્યુ તલાટીનો દાવો છે કે, મહેસુલ વિભાગના ૨૦ સપ્ટે.ના પરીપત્ર મુજબ ગ્રામ્ય વિસ્તારમાં પેઢીનામું બનાવવાની કામગીરી પંચાયત તલાટી કમ મંત્રીની થાય છે. તેમ કહીને તેઓ કામગીરીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. બીજી તરફ પંચાયત તલાટીઓનુ કહેવુ છે કે, વડી કચેરી કે મંડળ તરફથી તેમને કોઈ ચોકકસ સુચના મળી નથી. ઉપરાંત જોબચાર્ટ અલગ કરવાની માંગ સાથે તલાટીઓ હડતાળ પર હોવાથી યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી આ કામગીરી કરવાની ના પાડી રહ્યા છે. આ કારણે વિદ્યાર્થીઓ અને વારસદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બે તંત્રોની લડાઈમાં સોૈથી મોટી અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે. જિલ્લાના અનેક અરજદારો રોજેરોજ સરકારી કચેરીઓના ધકકા ખાઈને રઝળપાટ કરી રહ્યા છે. શાસન અને વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતા સામે લોક રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.