મહિસાગર જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અને નિયમોનુ ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે.
પોલીસ અધિક્ષક સફીન હસન મહિસાગરનાઓ દ્વારા આપવામાં આવેલ ખાસ ટ્રાફિક ડ્રાઈવની સુચના અન્વયે મહિસાગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. જે અંતર્ગત જાહેર માર્ગો પરથી પસાર થતાં શંકાસ્પદ અને નિયમોનુ ઉલ્લંધન કરતા વાહનોનુ ઝીણવણભર્યુ ચેકિંગ કરાયુ હતુ. જેમાં જે વાહનચાલકોએ પોતાના વાહનોના કાચ પર સરકારી નિયમો વિરુદ્ધ પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવી રાખી હતી. તેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા આવા તમામ વાહનોના કાચ પરથી સ્થળ પર જ બ્લેકફિલ્મ ઉખાડી દેવાઈ હતી. નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલ કરાયો હતો. સાથે પોલીસ અધિકારીઓએ વાહનચાલકોને ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા અને વાહનોમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધિત ફેરફારો ન કરવા માટે કડક સુચના આપી હતી.