મહિસાગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણોને લઈ તંત્રએ નોટિસ ફટકારી

–ગોધર તાલુકામાં પણ લોકોને નોટિસ મળતા મામલતદારને રજુઆત

મહિસાગર જિલ્લામાં સરકારી જગ્યાઓમાં દબાણને લઈ નોટિસનો દોર શ‚ થતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સંતરામપુર તાલુકાના સમગ્ર ગોઠિબ ગામને ગેરકાયદે દબાણને લઈ નોટિસ મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી પડતર તેમજ ગોૈચર જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા હવે કડકાઈથી નોટિસો ફટકારવાનો દોર શ‚ કરાયો છે. જેમાં સંતરામપુર તાલુકાનુ આખુ ગોઠિબ ગામ ગેરકાયદે દબાણમાં હોવાને લઈ નોટિસ મળતા લોકોમાં કચવાટ સાથે પ્રશ્ર્નાર્થો સર્જાયા છે. આઝાદીના આટલા વર્ષો છતાં આજદિન સુધી તેઓને તંત્ર દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નથી. અહિં રહેતા લોકોની પેઢીઓની પેઢીઓ અહિં વસવાટ કરી રહ્યા છે. અને મકાનો પણ પાકા બનેલા છે. પંચાયત વેરો, લાઈટ અને પાણીનો વેરો ભરે છે. તેમજ સરકારના અનેક લાભો પણ આ જ મકાનો ઉપર મળેલા છે. ત્યારે તેમને અચાનક નોટિસ મળતા લોકોમાં રોષ ફેલાયો છે. ગોઠિબ ગામના અંદાજિત ૩૦૦થી વધુ લોકોને મકાન, દુકાન સહિત જમીનમાં ગેરકાયદે બાંધકામને લઈ મામલતદાર દ્વારા નોટિસ આપી દિન-૭માં ખુલાસો માંગવામાં આવ્યો છે. આ જ રીતે ગોધર તાલુકામાં પણ ગામે ગામ આ રીતે દબાણો બાબતે નોટિસ મળતા ગ્રામજનોએ ભેગા થઈ ગોધર મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરી હતી.