લુણાવાડા તાલુકાના નમનાર ગામે આવેલી લાલજીપુર ડેરી ખાતે પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નમનાર ગામે આવેલી લાલજીપુર ડેરી ખાતે તાલુકા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસના વિશેષ કાર્યક્રમનું ઉત્સાહસભર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત વિકાસ લક્ષી વિવિધ બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.કાર્યક્રમની શ‚આત મંગલમય વાતાવરણમાં તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ બારીયા તેમજ ભાજપ અગ્રણી અજય દરજી સહિતના સ્થાનિક અગ્રણીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ અને ખેડૂત મિત્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ માધ્યમથી પ્રસારિત કરાયેલા રાષ્ટ્રજોગ સંબોધનને જીવંત નિહાળ્યું અને સાંભળ્યું હતું.

આ પ્રસંગે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દેશભરના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૯૦ કરોડથી વધુની આર્થિક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ હતી, જેનાથી રાજ્યના ખેડૂતોમાં આનંદ અને સંતોષની લાગણી વ્યાપી ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત પરિવારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમને યોજના દ્વારા મળતી સહાય તેમજ તેનાથી ખેતીમાં થતા ફાયદાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. આ તકે યોજનાના લાભાર્થી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, સંબંધિત વિભાગોના અધિકારીગણ, કર્મચારીગણ તેમજ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.