પંચમહાલ જીલ્લામાં જીલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

પંચમહાલ જીલ્લાના ૨.૦૨ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં DBTના માધ્યમથી PM કિસાન યોજનાના ૨૪મા હપ્તા પેટે ‚.૪૦.૬૧ કરોડની સહાય સીધી જમા કરાઈ.

પંચમહાલ જીલ્લામાં જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલની અધ્યક્ષતામાં ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગોધરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ પી.એમ. કિસાન ઉત્સવ દિવસ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર ખેડૂતોનો ઉત્સવ નથી, પરંતુ દેશની અન્ન વ્યવસ્થા અને ખેતી પ્રત્યે ઉત્સાહ વધારવાનો અવસર છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક અને સમૃદ્ધિ વધારવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આજના આ કાર્યક્રમમાં બનાસકાંઠાના ડીસા ખાતેથી ડી.બી.ટી. (DBT) મારફતે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા કરાવવામાં આવ્યા છે. પંચમહાલ જીલ્લામાં પણ હજારો ખેડૂતોને આ સહાયનો લાભ મળ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણી પરંપરાગત ખેતી પદ્ધતિમાં થોડો બદલાવ લાવીને, વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમજ ટપક સિંચાઈ અને ફાર્મ પદ્ધતિનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાની આવકમાં મોટો વધારો કરી શકે છે. સરકાર પશુપાલન, ખેતીના સાધનો, સોલાર પાવર યુનિટ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે સતત પ્રયાસ કરી રહી છે.

આ પ્રસંગે સાંસદએ ખેડૂતોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ભારત આજે પણ કૃષિપ્રધાન દેશ છે અને દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો સૌથી મોટો છે.

સાંસદ જસવંતસિંહ પરમારે વર્તમાન સમયમાં વધતા જતા ગંભીર રોગો (જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર) પાછળનું મુખ્ય કારણ રાસાયણિક ખાતરો અને નુકસાનકારક પેસ્ટીસાઇડ્સનો અનિયંત્રિત ઉપયોગ હોવાનું જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, આ હાનિકારક રસાયણો માત્ર જમીનને જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્યને પણ ધીમે ધીમે બરબાદ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે તે વિશે જણાવતાં તેમણે કહ્યું કે, આવતીકાલની પેઢીને સ્વસ્થ અને નિરોગી જીવન આપવા માટે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય છે. માત્ર અંગત સ્વાર્થ માટે અથવા થોડા વધારે ઉત્પાદનના લોભમાં જમીન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરવા તેમણે અપીલ કરી હતી.

આત્મનિર્ભર અને સ્વસ્થ ભારતનો સંકલ્પ સાકાર કરવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે, આપણા વિસ્તારના જાગૃત ખેડૂતોએ સાહસ દાખવીને ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જેથી દેશમાંથી ખોરાકજન્ય રોગો નાબૂદ કરી શકાય અને આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય ભેટ આપી શકાય.

આ પ્રસંગે કૃષિ વિષયક યોજનાઓ જેવી કે નવીન ટ્રેક્ટર ખરીદી સહાય, નવીન એસેટ ખરીદી સહાય સહિત વિવિધ યોજનાકીય સહાયના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રેરણાત્મક ઉદબોધનને સૌએ રસપૂર્વક સાંભળ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર અજય દહિયા, જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જીલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ તદુપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જીલ્લાના ૨.૦૨ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ઙખ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો જમા થશે…

પી.એમ. કિસાન ઉત્સવ અન્વયે વડાપ્રધાન દ્વારા બનાસકાંઠાના ભિલડી ખાતેથી ૨૪મા હપ્તાની રકમ ડીબીટી (DBT)ના માધ્યમથી જમા કરાવવામાં આવી રહી છે, જેના ભાગ‚પે પંચમહાલ જીલ્લાના ૨,૦૨,૯૮૪ લાભાર્થી ખેડૂતોને ‚. ૪૦.૬૧ કરોડની સહાય સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે. પંચમહાલમાં ૨ લાખથી વધુ નોંધાયેલા ખેડૂતોને અત્યાર સુધીમાં ૨૩ હપ્તા થકીરૂ. ૯૦૮૪.૮૪ લાખની સહાય ચૂકવાઈ ચૂકી છે.

પંચમહાલ જીલ્લામાં ખેતીવાડી યોજનાઓ અને સહાયની મુખ્ય વિગતો:

પાક નુકસાની વળતર : વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારે વરસાદથી થયેલા નુકસાન સામે ૬૪,૧૪૮ ખેડૂતોને રૂ.૭૬૫૦.૧૭ લાખનું વળતર ચૂકવાયું.

ટ્રેક્ટર સહાય (AGR-૫૦) : ચાલુ વર્ષે ૨૦૨૬-૨૭માં ૮૫૦ લાભાર્થીઓને રૂ.૮૫૦.૦૦ લાખની સહાય ચૂકવાઈ. હાલમાં નવીન ટ્રેક્ટર સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું છે.

પોસ્ટ હાર્વેસ્ટ અને ફાર્મ મિકેનાઇઝેશન: ૧,૬૧૦ લાભાર્થીઓને રૂ. ૪૬૪.૪૬ લાખની સહાય.

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન): ૨૧૬ લાભાર્થીઓને ગોડાઉન દીઠ રૂ. ૨ લાખની મર્યાદામાં સહાય.

તાર ફેન્સિંગ અને સોલાર યુનિટ: ૫૭ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે રૂ. ૧૦૯.૮૬ લાખ અને ૮૩ લાભાર્થીઓને સોલાર પાવર કિટ માટેરૂ. ૧૨.૩૪ લાખ મંજૂર.

સ્માર્ટફોન સહાય: ૬૪૮ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર રૂ. ૩૮.૫૪ લાખની સહાય અપાઈ.

કિસાન પરિવાર અકસ્માત વીમા યોજના: ચાલુ વર્ષે ૫૬ અરજદારોને રૂ. ૨૧૪.૦૦ લાખની ચૂકવણી કરાઈ.

NMEO યોજના: ૧,૬૦૦થી વધુ ખેડૂતોને સોયાબીન (વિના મૂલ્યે) અને દિવેલા (નજીવી કિંમતે) બિયારણનું વિતરણ.
આ ઉપરાંત જીલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું માર્ગદર્શન આપી, વિવિધ સરકારી યોજનાઓ થકી પાકની ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.