
મહીસાગર જીલ્લામાં ભારે વરસાદને કારણે લુણાવાડા-સંતરામપુર સ્ટેટ હાઈવે પર પડેલા ખાડાઓની મરામત પૂર્ણ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા આ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી, જેથી વાહનવ્યવહાર પૂર્વવત થઈ શકે.
વરસાદને લીધે આ વ્યસ્ત માર્ગ પર ખાડા પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. નાગરિકોની સુવિધા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને જીલ્લા વહીવટી તંત્રએ સઘન કામગીરી હાથ ધરી હતી.
માર્ગ અને મકાન વિભાગે આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સમારકામ શ કર્યું. આ મરામત કાર્યમાં ‘કોલ્ડ મિક્સ’ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો, જે વરસાદી માહોલ વચ્ચે પણ ઝડપી અને મજબૂત સમારકામ માટે અસરકારક છે.
આ ઝડપી અને આધુનિક પદ્ધતિથી થયેલી કામગીરીને પગલે લુણાવાડા અને સંતરામપુર વચ્ચેનો વાહનવ્યવહાર હવે સંપૂર્ણપણે સરળ અને સુરક્ષિત બન્યો છે. રસ્તા પરના ખાડાઓ પુરાઈ જવાથી અકસ્માતનું જોખમ પણ ટળ્યું છે.