
જન્મદિનને માત્ર શુભેચ્છાઓ પૂરતો મર્યાદિત ન રાખી સમાજોપયોગી કાર્ય સાથે ઉજવવાનો પ્રેરણાદાયી સંદેશ વિરપુર પોલીસ સ્ટેશનના PI અલ્પેશ બારીયાએ આપ્યો હતો. તેમના જન્મદિન નિમિત્તે સારીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન PI અલ્પેશ બારીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તેમણે ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપવા, દરેક બાળકને નિયમિત શાળાએ મોકલવા તેમજ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વાલીઓને જાગૃત બનવા અપીલ કરી હતી.

આ ઉપરાંત બાળલગ્ન, નાની ઉંમરે ઘરેથી ભાગી જવાની ઘટનાઓ અને પોક્સો (POCSO) કાયદા અંગે વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન આપીને કાનૂની જાગૃતિ ફેલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં કોઈપણ મુશ્કેલી કે માનસિક તણાવની સ્થિતિમાં ઉતાવળે નિર્ણય લેવાને બદલે માતા-પિતા, શિક્ષકો અથવા પોલીસનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ.કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહિસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા, ગામના આગેવાનો, શિક્ષકગણ, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સારીયા પ્રાથમિક શાળાના શિક્ષક પરિવારે PI અલ્પેશ બારીયાનું સન્માન કરી તેમના સેવાભાવી અભિગમ અને સમાજલક્ષી કાર્યની પ્રશંસા કરી હતી. જન્મદિનની ઉજવણીને સેવા અને સંસ્કાર સાથે જોડતી આ પહેલ ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બની હતી.